ગુયાનાઃ મહિલા ટી-20 વિશ્વકપનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આજે પ્રથમ મેચમાં ભારતીય ટીમની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં પ્રથમવખત વિશ્વકપ જીતવાના ઈરાદા સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરશે. વિશ્વકપમાં ભારતીય ટીમ પાસે અનુભવી તથા યુવા ખેલાડીઓનું શાનદાર મિશ્રણ છે. ટીમમાં સૌથી અનુભવી મિતાલી રાજ છે તો તેની સાથે ઓપનિંગમાં આક્રમક બેટીંગ કરતા યુવા બેટ્સમેન સ્મૃતિ મંધાના છે. તો કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનના આધારે મેચનું પાસું પલટવાની ક્ષમતા ધરાવે છે. તો આવો નજર કરીએ ભારતના પાંચ મહત્વના ખેલાડીઓ પર... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિતાલી રાજઃ ભારતીય ટીમમાં સૌથી અનુભવી ખેલાડી છે. તે ઓપનિંગમાં આવીને સાથે ખેલાડીઓ સાથે મોટી ભાગીદારી નોંધાવવામાં માહિર છે. તે વિકેટ ટકાવી રાખે છે, જેથી ટીમને સતત ફાયદો મળતો રહે છે. જો આ વખતે ટીમે ટી-20 વિશ્વકપ જીતવો હશે તો મિતાલી રાજ શાનદાર બેટીંગ કરે તે ખુબ જરૂરી છે. 


સ્મૃતિ મંધાનાઃ ભારતીય મહિલા ટીમની આક્રમક ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મોટા શોટ્સ ફટકારવા માટે જાણીતી છે. મિતાલી સાથે ઓપનિંગમાં આવીને તે પાવરપ્લેમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી શકે છે. આ સાથે તે મોટી ઈનિંગ રણ રમી શકે છે.


વધુ વાંચો...Women's World T20: વિન્ડિઝમાં વિશ્વકપનો પ્રારંભ, કુલ 10 ટીમો વચ્ચે રમાશે 23 મેચ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


હરમનપ્રીત કૌરઃ ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે ઈંગ્લેન્ડમાં રમાયેલા વિશ્વકપના સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 171 રન ફટકારીને પોતાની બેટીંગનો પરિચય તમામને આપી દીધો હતો. મિડલઓર્ડરમાં તે ભારતીય બેટીંગનો મુખ્ય સ્તંભ છે. આ સાથે તે, અંતિમ ઓવરોમાં આક્રમક બેટીંગ કરીને ટીમનો મોટા સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ સાથે ટીમને જરૂર હોય ત્યારે પોતાની બોલિંગથી પણ મદદરૂપ થઈ શકે છે. 


પૂજા વસ્ત્રાકરઃ ભારતીય ટીમની બોલિંગની જવાબદારી પૂજા વસ્ત્રાકરના હાથમાં રહેશે. 19 વર્ષિય પૂજા શાનદાર મીડિયમ પેસર બોલર છે. 


એકતા બિષ્ટઃ ભારતીય ટીમની સ્પિન બોલિંગનો મદાર 32 વર્ષીય અનુભવી એકતા બિષ્ટ પર રહેશે. એકતા બિષ્ટે અત્યાર સુધી ઘણા મેચમાં શાનદાર બોલિંગ કરીને ટીમને વિજય અપાવ્યો છે. વિશ્વકપમાં ભારતીય ટીમની સફળતાનો મદાર આ ખેલાડીની બોલિંગ પર પણ રહેશે.