વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપઃ પૂજા ઢાંડાએ જીત્યો બ્રોન્ઝ, રિતુ ફોગાટ અને સાક્ષી મલિકનો પરાજય
પૂજા ઢાંડાએ વિશ્વ કુશ્તિ ચેમ્પિયનશિપમાં 57 કિગ્રામ વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, વિશ્વ ચેમ્પિયનશિપમાં આ તેનો પ્રથમ મેડલ છે
બુડાપેસ્ટઃ ભારતની મહિલા પહેલવાન પૂજા ઢાંડાએ ગુરૂવારે વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 57 કિગ્રામ વર્ગમાં આ મેડલ પોતાને નામ કર્યો. વિશ્વ ચેમ્પિયનશિપમાં આ તેનો પ્રથમ મેડલ છે. રિતુ ફોગાટ બ્રોન્ઝ મુકાબલામાં હારી ગઈ હતી. સાક્ષી મલિક પણ તેની મેચમાં આગળ વધી શકી નહીં. ગ્રીકો રોમનમાં વિજય, ગૌરવ શર્મા, મનીષ અને દીપકને પ્રથમ રાઉન્ડમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિશ્વ ચેમ્પિયનશિપ હંગરીમાં ચાલી રહી છે.
પૂજા ઢાંડાએ રેપચેઝ મુકાબલામાં આઝરબૈઝાનની એલોના કાસ્નિકને 8-3થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. ક્વાર્ટરફાઈનલમાં તેણે નોર્વેની ગ્રેસ જેગબને 10-7થી હરાવી. કોમનવેલ્થની પૂજાને ચીનની નીંગનીંગ રોંગે રોમાંચક મુકાબલામાં 4-3થી હરાવી હતી. રોંગને ફાઈનલમાં પહોંચતા પહેલા પૂજા સાથે રેપચેઝ રમવાની તક મળી હતી.
બીજી તરફ રિતુ ફોગાટે 50 કિગ્રામ વર્ગમાં રેપચેઝમાં રોમાનિયાની એમિલીયા એલીનાને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. જોકે, ક્વાર્ટર ફાઈનલમાં યુક્રેનની ઓકસાના લિવિચે રિતુને 10-5ના મોટા અંતર સાથે હરાવીને બ્રોન્ઝ જીત્યો હતો.
રિતુને ક્વાર્ટર ફાઈનલમાં જાપાનની યુઈ સુસાકીએ 11-0થી હરાવી હતી. સુસાકી ત્યાર બાદ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહી. જેના કારણે રિતુને રેપચેઝમાં રમવાની તક મળી હતી.
આ અગાઉ રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિકને 62 કિગ્રામના રેચપેઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. સાક્ષીને ક્વાર્ટર ફાઈનલમાં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન જાપાનની યુકાકો ક્વાઈ સામે 2-16ના મોટા માર્જિન સાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
યુકાકોના ફાઈનલમાં પહોંચવાને કારણે સાક્ષીને રેપચેઝમાં રમવાની તક મળી હતી. તેણે રેપચેઝ રાઉન્ડમાં ગુરૂવારે હંગરીની મરિયાના સાસ્તિનને જોરદાર ટક્કર આપી હતી. તેમ છતાં તેનો 2-3થી પરાજય થયો હતો.