રેસલિંગઃ વિનેશ, સાક્ષીએ રાષ્ટ્રીય ટાઇટલની સાથે સત્ર સમાપ્ત કર્યું
રિયો ઓલમ્પિક બાદ સાક્ષી માટે આ પ્રથમ મોટી જીત છે. વિનેશે છઠ્ઠો રાષ્ટ્રીય ખિતાબ જીતવાના ક્રમમાં માત્ર બે અંક ગુમાવ્યા હતા.
ગોંડા (ઉત્તર પ્રદેશ): વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકે પોત-પોતાના ભારવર્ગમાં સીનિયર નેશનલ ચેમ્પિયનશિપના ફાઇનલમાં જીત મેળવીને રાષ્ટ્રીય ખિતાબની સાથે વર્ષનું સમાપન કર્યું છે. વિનેશે 57 કિલોગ્રામ ભારવર્ગના ફાઇનલમાં બબીતાને 10-0થી પરાજય આપીને સફળતા ભરેલા વર્ષનું સમાપન કર્યું હતું. ખરાબ ફોર્મમાં ચાલી રહેલી સાક્ષીએ 62 કિલોગ્રામ ભાર વર્ગના ફાઇનલમાં જીત મેળવીને ટાઇટલ સાથે વર્ષનો અંત કર્યો છે.
રિયો ઓલમ્પિક બાદ સાક્ષી માટે આ પ્રથમ મોટી જીત છે. વિનેશે છઠ્ઠો રાષ્ટ્રીય ખિતાબ જીતવાના ક્રમમાં માત્ર બે અંક ગુમાવ્યા હતા. તે વિભિન્ન ભાર વર્ગોમાં 2012થી 2016 સુધી 5 વખત રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચુકી છે. તેણે પ્રથમ રાઉન્ડના મેચમાં ચંડીગઢની નીતૂને 13-2થી પરાજય આપ્યા બાદ કર્ણાટકની સ્વેતા બાલાગત્તીને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી હતી. ક્વાર્ટર ફાઇનલમાં તેણે હરિયાણાની મનીષાને તકનીકી કાર્યક્ષમતાના આધાર પર હરાવી હતી. સેમિ ફાઇનલમાં તેણે હરિયાણાની બી કી રવિતાને માત્ર 76 સેકન્ડમાં પરાજય આપ્યો હતો.
સાક્ષીએ પણ ટાઇટલ જીતવા માટે વધુ મહેનત ન કરવી પડી. તેણે કોઈપણ અંક ગુમાવ્યા વિના આ ખિતાબ હાસિલ કર્યો છે. તેને પહેલા મેચમાં વોકઓવર મળ્યા બાદ બીજી મુકાબલો માત્ર 25 સેકન્ડમાં તેના નામે કરી લીધો હતો. તેની વિરોધી અનીતાને ઘુંટણની ઈજાને કારણે મેચ અધવચ્ચે છોડવી પડી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં મણિપુરની એ લુવાંગ ખોંબીને માત્ર 43 સેકન્ડમાં પરાજય આપ્યો હતો.
આ ઓલમ્પિક મેડલ વિજેતાએ હરિયાણાની પૂનાને સેમિ ફાઇનલમાં 11-0થી હાર આપી હતી. આ વર્ષે શાનદાર પ્રદર્શન કરનારી ઋૃતુ મલિક 65 કિલોગ્રામ ભારવર્ગના સેમિ ફાઇનલમાં હારી ગઈ હતી. તેને 2010 રાષ્ટ્રમંડળ ગેમ્સની ગોલ્ડ મેડલિસ્ટ અનીતાએ હરાવી હતી. ઋૃતુએ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. અનીતાએ ફાઇનલમાં ગીતિકા જાખડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇંચુ ચૌધરી (50 કિલો), પિંકી (55 કિલો) અને કિરણ વિશ્નોઇ (72 કિલો) પણ પોતાના ભારવર્ગમાં મેડલ જીતવામાં સફળ રહ્યાં હતા.