Asian Games: રેસલર વિનેશ ફોગાટે રચ્યો ઈતિહાસ, ભારતને અપાવ્યો બીજો ગોલ્ડ
વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે.
જકાર્તાઃ ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે 18મી એશિયન ગેમ્સના બીજા દિવસે 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલ સ્પર્ધાની ફાઇનલમાં જાપાનની યૂકી ઇરીને 6-2થી હરાવીને પ્રથમવાર એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વિનેશ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે.
ગત એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી વિનેશે આ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને પોતાના મેડલનો કલર બદલ્યો છે. વિનેશે પ્રથમ રાઉન્ડમાં ચાર અંક મેળવ્યા અને જાપાની ખેલાડી પર દબાવ બનાવ્યો હતો. વિનેશે પ્રથમ રાઉન્ડમાં 4-0ની લીડ મેળવી લીધી હતી. બીજા રાઉન્ટમાં વિનેશ શાનદાર ડિફેન્સની સાથે પોતાની લીડ યથાવત રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
લક્ષ્યએ શૂટિંગ ટ્રેપ (પુરૂષ)માં જીત્યો સિલ્વર મેડલ
લક્ષ્ય શેરોને પુરૂષ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. લક્ષ્ય 43/50ના સ્કોરની સાથે બીજા સ્થાન પર રહ્યો અને ભારતના ખાતામાં સિલ્વર મેડલ આવ્યો હતો. બીજીતરફ ભારતના માનવજીત સિંહ સંધૂને ચોથા સ્થાનથી સંતોષ કરવો પડ્યો છે. ચીની તાઈપે યાંગને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ મળ્યો છે. લક્ષ્યની જીત બાદ સ્ટેડિયમમાં ભારત માતાની જય-જયના નારા લાગ્યા હતા.
દિપક કુમારને મળ્યો સિલ્વર
ભારતીય નિશાનેબાજ દિપક કુમારે સોમવારે (20 ઓગસ્ટ) 18માં એશિયન ગેમ્સમાં નિશાનેબાજી પ્રતિયોગીતામાં પુરુષોની 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. જોકે આ સ્પર્ધામાં રવિ કુમાર મેડલ જીતવામાં સફળ રહ્યો નથી. તે સ્પાર્ધામાં ચોથા સ્થાન પર આવ્યો હતો. દિપકે ફાઇનલમાં 247.1 અંક મેળવીને સિલ્વર મેડલ જીતી લીધો છે. આ એશિયાઇ ગેમ્સના બીજા દિવસે ભારતે પ્રથમ મેડલ જીત્યો છે. દિપક કુમારે પહેલીવાર એશિયન ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ પહેલા દિપકને ક્વોલિફીકેશનમાં પાંચમુ સ્થાન મળ્યુ હતું. જ્યારે રવિએ ચોથું સ્થાન મેળવ્યું હતું.