Yashvardhan Dalal: 426 રન, 46 ફોર અને 12 સિક્સ, હરિયાણાના આ બેટરની તોફાની ઈનિંગ, રચ્યો ઈતિહાસ
CK Nayudu Trophy 2024: હરિયાણાના ખેલાડી યશવર્ધન દલાલે ઈતિહાસ રચ્યો છે. તેણે સીકે નાયડુ ટ્રોફીમાં વિસ્ફોટક પ્રદર્શન કરતા 426 રન ફટકાર્યા છે.
CK Nayudu Trophy 2024: ક્રિકેટમાં રેકોર્ડ બને અને તૂટતા રહે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સાથે-સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ આ જોવા મળે છે. આ કારનામું હરિયાણા અને મુંબઈ વચ્ચે રમાયેલી મેચમાં થયું છે. હરિયાણાના દમદાર ખેલાડી યશવર્ધન દલાલે ઈતિહાસ રચ્યો છે. તેણે અન્ડર 23 સીકે નાયડુ ટ્રોફીના મુકાબલામાં 400 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 46 ચોગ્ગા અને 12 સિક્સ ફટકારી હતી. યશવર્ધન આ ઈનિંગને કારણે ચર્ચામાં આવી ગયો છે.
આ મેચ હરિયાણા અને મુંબઈ વચ્ચે રમાઈ રહી છે. હરિયાણાએ આ મેચમાં બીજા દિવસની રમત પૂરી થવા સુધી 8 વિકેટે 732 રન બનાવ્યા છે. આ દરમિયાન યશવર્ધન ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે બીજા દિવસ સુધી 463 બોલનો સામનો કરતા અણનમ 426 રન ફટકાર્યા છે. તેણે આ દરમિયાન 46 ચોગ્ગા અને 12 સિક્સ ફટકારી હતી. યશવર્ધનની સ્ટ્રાઇક રેટ 92.01 ની રહી હતી.
આ પણ વાંચોઃ એક્શનમાં BCCI, ટીમ ઈન્ડિયાની હાર પર 6 કલાક ચાલી બેઠક, રોહિત અને ગંભીરને પૂછાયા સવાલ
અર્શ રંગા અને યશવર્ધન વચ્ચે 400થી વધુ રનની ભાગીદારી
હરિયાણા માટે યશવર્ધન સાથે અર્શ ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે 311 બોલનો સામનો કરતા 151 રન ફટકાર્યા હતા. તેની ઈનિંગમાં 18 ચોગ્ગા અને એક સિક્સ સામેલ છે. આ દરમિયાન બંને વચ્ચે 410 રનની ભાગીદારી થઈ હતી. અર્શે આ ભાગીદારીમાં 151 રનનું યોગદાન તો યશવર્ધને 243 રનનું યોગદાન આપ્યું હતું.
હરિયાણાએ ફટકાર્યા 400થી વધુ રન
હરિયાણાએ મુંબઈની સમસ્યા વધારી છે. તેણે બીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી 8 વિકેટના નુકસાન સાથે 732 રન બનાવ્યા છે. આ દરમિયાન અર્શ અને યશવર્ધન સાથે અન્ય ખેલાડીઓએ પણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન સર્વેશ રોહિલ્લાએ 48 રન બનાવ્યા હતા. પર્થ વત્સ 24 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે મુંબઈ માટે અથર્વ ભોસલેએ પાંચ વિકેટ લીધી હતી.