બ્યુનસ આયર્સઃ 15 વર્ષના આકાશ મલિકે યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. તેણે રિકર્વ તીરંદાજીના પુરુષ ઈન્ડિવિઝ્યુઅલ ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે. તે આ રમતમાં સિલ્વર જીતનારો પ્રથમ ભારતીય બન્યો છે. આ અગાઉ અતુલ વર્માએ 2014માં નેનજિંગમાં યોજાયેલી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આકાશ મલિકના આ પ્રદર્શન સાથે આર્જેન્ટિનામાં યોજાયેલી યુથ ઓલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા 13 થઈ છે. જેમાં 3 ગોલ્ડ, 9 સિલ્વર અને 1 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. યુથ ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારતે સૌથી વધુ બે ગોલ્ડ શૂટિંગમાં જીત્યા છે. એક ગોલ્ડ વેઈટલિફ્ટિંગમાં મળ્યો છે. આકાશ મલિકના પિતા ખેડૂત છે અને તે ધોરણ-11માં અભ્યાસ કરે છે. 


આકાશે રિકર્વ તીરંદાજીના ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. ગોલ્ડ માટે થયેલી આ ટક્કરમાં અમેરિકાના ટ્રેન્ટન કોલેસ સામે તે ટકી શક્યો નહીં. કોલેસે આકાશને 6-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 


5મો ક્રમાંકિત આકાશ ફાઈનલમાં તેની લય જાળવી શક્યો નહીં. ત્રણ સેટના મુકાલબામાં બંને તીરંદાજોએ ચાર-ચાર વખત પરફેક્ટ-10નો સ્કોર બનાવ્યો હતો. આકાશે તેની સાથે જ બે વખત માત્ર 6નો સ્કોર બનાવ્યો. જેની સામે ટ્રેન્ટન કોલેસે ચાર પરપેક્ટ-10 ઉપરાંત બે વખત 9 પોઈન્ટ મેળવ્યો હતો. આ રીતે તે આ મુકાબલો જીતી ગયો હતો. 



આકાશે જણાવ્યું કે, 'મેં તીવ્ર પવનમાં પ્રેક્ટિસ કરી હતી, પરંતુ અહીં જે પવન ફૂંકાતો હતો તે અપેક્ષા કરતાં ઘણો વધારે તેજ હતો. કોલેસ મજબૂત હરીફ હતો અને મને ખાસ તક મળી નહીં.' આકાશના પિતા નરેન્દ્ર મલિક ઘઉં અને કપાસની ખેતી કરે છે. 


આકાશે છેલ્લી યુથ ઓલિમ્પિકની ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. એશિયા કપના પ્રથમ તબક્કામાં ગોલ્ડ, બીજામાં બે બ્રોન્ઝ અને દક્ષિણ એશિયન ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.