ભારતે જીતી મેચ, યુજવેન્દ્ર ચહલે જીત્યું ચાહકોનું દિલ, પાકિસ્તાની ફેન્સે પણ કર્યા વખાણ
સોશિયાલ મીડિયા પર ભારત-પાકિસ્તાનના વિજય કરતાં યુજવેન્દ્ર ચહલ દ્વારા પાકિસ્તાની ખેલાડીના બૂટની દોરી બાંધી આપવાની ભરપૂર ચર્ચા થઈ રહી છે
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2018ની પોતાની બીજી મેચમાં પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની જોરદાર બેટિંગને કારણે ભારતે 29 ઓવરમાં બે વિકેટ ગુમાવીને વિજય માટે જરૂરી લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. આ અગાઉ ભારતે ટોસ હારીને પ્રથમ બોલિંગ કરતા પાકિસ્તાનને 43.1 ઓવરમાં 162 રને ઓલઆઉટ કરી દીધું હતું.
આ રીતે ભારતે મેચ જીતી લીધી હતી, પરંતુ તેની સાથે જ ભારતીય સ્પિનર યુજવેન્દ્ર ચહલે એક ખાસ જેસ્ચર દ્વારા ભારતીયો જ નહીં પરંતુ પાકિસ્તાની ફેન્સનું પણ દિલી જીતી લીધું હતું. તેની આ સ્પોર્ટ્સમેનસ્પીરિટને કારણે ગુરૂવારે સોશિયલ મીડિયામાં તે ચર્ચાનું કેન્દ્ર પણ બન્યો છે.
મેચ દરમિયાન પાકિસ્તાની બેટ્સમેન ઉસ્માન ખાનના બૂટની દોરી બાંધતા યુજવેન્દ્ર ચહલનો એક પોટો કેમેરામાં કેદ થયો હતો. આ ફોટ ટૂંક સમયમાં જ સોશિયાલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો અને લોકો તેની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.
પાકિસ્તાની બેટ્સમેનને વિકેટ વચ્ચે દોડવામાં મુશ્કેલી પડી રહી હતી. આવામાં તેણે યુજવેન્દ્ર ચહલની મદદ માગી. ચહલે પણ જરા પર ખચકાટ વગર સ્પોર્ટ્સમેનસ્પિરીટ દેખાડતાં પાકિસ્તાનની બેટ્સમેનની મદદ કરી અને તેના બૂટની દોરી બાંધી દીધી. આ મેચમાં યુજવેન્દ્ર ચહલે 7 ઓવરમાં 32 રન આપ્યા હતા. જોકે, તેને એક પણ વિકેટ મળી ન હતી.
ઉલ્લેખનીય છે કે, આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-2017ની ફાઈનલ બાદ ભારત અને પાકિસ્તાન લાંબા સમય બાદ પ્રથમ વખત સામ-સામે રમ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી-2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું, પરંતુ હવે ભારતે પાકિસ્તાનને હરાવીને હિસાબ બરાબર કરી લીધો છે.
ટૂર્નામેન્ટમાં ભારતનો આ બીજો વિજય છે. તેણે પ્રથમ મેચમાં હોંગકોંગને 26 રને હરાવ્યું હતું. પાકિસ્તાનનો ટૂર્નામેન્ટમાં પ્રથમ પરાજય છે. આ અગાઉ, પાકિસ્તાને પ્રથમ મેચમાં હોંગકોંગને 8 વિકેટે હરાવ્યું હતું.