પર્થઃ Pakistan vs Zimbabwe: આઈસીસી ટી20 વિશ્વકપમાં વધુ એક મેજર અપસેટ જોવા મળ્યો છે. ઝિમ્બાબ્વેએ રોમાંચક મેચમાં પાકિસ્તાનને 1 રને પરાજય આપ્યો છે. આ હાર સાથે પાકિસ્તાનની સેમીફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ઝટકો લાગ્યો છે. ભારત બાદ ઝિમ્બાબ્વે સામે પણ પાકિસ્તાને હારનો સામનો કરવો પડ્યો છે. ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 130 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 129 રન બનાવી શકી હતી. તો ઝિમ્બાબ્વેન સુપર-12 રાઉન્ડમાં પ્રથમ જીત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના બોલરોનું શાનદાર પ્રદર્શન
પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 42 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પરંતુ ત્યારબાદ તેણે જલદી વિકેટ ગુમાવી અને ટીમનો સ્કોર 10 ઓવરમાં 64/3 હતો. ચોથી વિકેટ માટે સીન વિલિયમ્સ (31) અને સિકંદર રઝા (9) વચ્ચે 31 રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાનના બોલરોએ ફરી વાપસી કરી અને ઝિમ્બાબ્વેની છ બોલના અંતરે ચાર વિકેટ ઝડપી હતી. પૂછડિયા બેટરોની મદદથી ઝિમ્બાબ્વેની ટીમ 130 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી. 


ઝિમ્બાબ્વેના બોલરેએ કર્યો કમાલ
સ્કોરનો પીછો કરતા પાકિસ્તાનની શરૂઆત સારી રહી નહીં અને તેણે પાવરપ્લેમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની વિકેટ ગુમાવી દીધી હતી. આઠમી ઓવર સુધી ટીમને 36 રનના સ્કોર પર ત્રીજો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ શાદાબ ખાન (17) અને શાન મસૂદ (44) વચ્ચે ચોથી વિકેટ માટે 52 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીથી પાકિસ્તાનની મેચમાં વાપસી થઈ હતી. પરંતુ સિકંદર રઝાએ સતત બે ઓવરમાં શાદાબ અને મસૂદને આઉટ કરી મેચમાં ફરી રોમાંચ લાવ્યો હતો. 


ખુબ ઓછા અંતરે ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ટીમ પર ખુબ દબાવ હતો. મોહમ્મદ નવાઝ (22) એ ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ અંતિમ ઓવરના પાંચમાં બોલ પર તે આઉટ થતા ઝિમ્બાબ્વેએ અપસેટ સર્જયો હતો. ઝિમ્બાબ્વે તરફથી ત્રણ વિકેટ ઝડપનાર સિકંદર રઝા મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube