કાર ચલાવતી વખતે લોકો નાની નાની વાતનું ધ્યાન રાખતા નથી હોતા અને પછી તેના કારણે દુર્ઘટનાઓનો ભોગ બનવાનો વારો આવી શકે છે. એમા પણ  પહાડી વિસ્તારોમાં કાર ડ્રાઈવ કરતા હોવ ત્યારે તો ખુબ સાવચેતી રાખવી પડે છે. પહાડી રસ્તાઓ કે પછી ઢાળ પર ગાડી ચલાવતી વખતે એન્જિન બંધ કરીને ડ્રાઈવ કરવું જોઈએ નહીં. જો તમે એન્જિન બંધ કરીને ડ્રાઈવ કરશો તો દુર્ઘટનાનો ભોગ બનવાનો વારો આવી શકે છે. વિગતવાર માહિતી જાણો જેથી કરીને તમે આવી  ભૂલ ન કરો અને બીજાને પણ કરતા રોકી શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહાડી રસ્તાઓ પરથી ઉતરતી વખતે કારનું એન્જિન બંધ કરવું એ સેફ હોતું નથી. કારણ કે કારના કેટલાક ફીચર્સ કામ કરવાનું બંધ કરી દે છે. અમે તમને એ જણાવીશું કે આ સ્થિતિમાં એન્જિન બંધ કરવાથી શું થાય છે અને તમે કેવી રીતે દુર્ઘટનાનો ભોગ બની શકો છો. 


બ્રેક ફેલ થઈ શકે
જ્યારે કારનું એન્જિન બંધ થાય તો તેના બ્રેકના કેટલાક ફીચર્સ કામ કરતા નથી. એન્જિન બંધ થવાથી પાવર બ્રેક, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ, હિલ ડિસેન્ટ, ઓટો હોલ્ડ, અને ટ્રેક્શન કંટ્રોલ જેવા કેટલાક ફીચર્સ કામ કરતા નથી. તેનાથી તમારી ગાડી બેકાબૂ થઈને રસ્તો  ભટકી શકે છે અને અકસ્માત સર્જાઈ શકે છે. 


પાવર સ્ટીયરિંગ પણ કામ કરશે નહીં
મોટાભાગે આજકાલ ગાડીઓમાં પાવર સ્ટીયરિંગનું ફીચર મળતું હોય છે જેનાથી કારને વાળવી સરળ બની જાય છે  અને ડ્રાઈવિંગ સારું રહે છે. પરંતુ જો કારનું એન્જિન બંધ કરશો તો આ ફીચર કામ કરશે નહીં અને તમારે સ્ટીયરિંગ ફેરવવા માટે ખુબ જોર લગાવવું પડશે. પહાડી સ્તાઓ અને ઢાળવાળા રસ્તાઓ પર આ ખતરનાક સાબિત થઈ શકે છે. 


ABS સિસ્ટમ ફેલ થઈ જશે
ABS કારનું એક મહત્વપૂર્ણ સેફ્ટી ફીચર છે જે એન્જિન ચાલતું હોય ત્યારે જ યોગ્ય રીતે કામ કરે છે. જો એન્જિન બંધ થઈ જાય તો ABS સિસ્ટમ ફેલ થઈ શકે છે. આમ થવાથી બ્રેક લોક થઈ શકે છે જેનાથી ગાડી રસ્તા પર સ્કિડ કરવા લાગશે. 


એન્જિન બ્રેકિંગ નહીં કરે કામ
ઢાળ પર ગાડી ચલાવતી વખતે એન્જિન બ્રેકિંગ ખુબ મહત્વપૂર્ણ હોય છે. એન્જિન બ્રેકિંગથી ગાડીની ગતિ નિયંત્રિત રહે છે અને બ્રેક્સ પર ઓછું દબાણ આવે છે. એ્જિન બંધ થાય તો આ સુવિધા મળતી નથી, જેનાથી ગાડીની ગતિ ઝડપથી વધી શકે છે અને બ્રેક્સ પર વધુ દબાણ આવે છે.