ELECTRIC CAR: ભારતમાં લોન્ચ થઈ ગઈ સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર, જાણો આ ક્યુટ દેખાતી કારના તમામ ફિચર્સ
જે રીતે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, તેની સામે અનેક નાની મોટી મોટર કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રીક વાહનો માર્કેટમાં લોન્ચ કર્યા છે. આ ઈલેક્ટ્રીક કાર્સમાં છે અનેક પ્રકારના આધુનિક ફિચર્સ. ત્યારે આ દરમિયાન સંપૂર્ણ રીતે ભારતીય મોટર કંપની સ્ટ્રોમ(STROM)એ એકદમ સુવિધાથી સજ્જ ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી છે. શું છે આ કારની ખાસિયત અને શું છે તેની કિંમત, આવો જાણીએ.
ઝી બ્યૂરો, અમદાવાદઃ વધતા જતા ઈંધણના ભાવથી એવું કહી શકાય કે દેશમાં ઈલેક્ટ્રીક કારનો તબક્કો શરૂ થઈ ગયો છે. ભારતીય કાર માર્કેટમાં અનેક ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવામાં આવી છે. તેવામાં સંપૂર્ણ રીતે ભારતીય અને મુંબઈ બેઝ્ડ STROM કંપનીએ પોતાની R3 ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરી છે. આ કારની કિંમત 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જે દેશની સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર હોય શકે છે. આવો જાણીએ તેના તમામ ફિચર્સ વિશે.
STROM MOTORSએ પોતાની 3 વ્હીલવાળી ઈલેક્ટ્રીક કાર STROM R3 લોન્ચ કરી છે. આ કારનું બુકિંગ શરૂ થઈ ચુક્યું છે. લોકો 10,000 રૂપિયા આપી આ કારની બુકિંગ કરાવી શકે છે. કંપનીએ આ કારનું મોડલ 2018માં રજૂ કર્યું હતું. STROM R3નો લુક સ્પોર્ટી છે અને તેમાં 2 લોકો બેસી શકે તેવી કેબિન આપી છે. આ નાની ઈલેક્ટ્રીક કારની લંબાઈ 2907 મીમી, પહોળાઈ 1405 મીમી અને ઉંચાઈ 1572 મીમી છે. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 185 મીમી છે. આ કારનો કુલ વજન 550 કિલોગ્રામ છે.
કારમાં 12 પ્રકારની એડજસ્ટીબલ ડ્રાઈવર સીટ છે અને 3 પોઈન્ટવાળી સીટ બેલ્ટ આપવામાં આવી છે. આ કાર સાઈઝમાં નાની હોવા છતાં તેમાં વિશાળ સનરુફ આપવામાં આવ્યું છે. સાથે જ ક્લાઈમેટ કંટ્રોલ ACની સુવિધા આપવામાં આવી છે. આગળના વ્હીલ્સ માટે ડિસ્ક બ્રેક અને મનોરંજન માટે 7 ઈંચની ટચસ્ક્રિન અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કારમાં 20GB સુધી સોંગ્સ પણ સ્ટોર કરી શકાય છે.
STROM MOTORS કંપનીનો દાવો છે કે આ કારને સંપૂર્ણ રીતે ચાર્ડ થયા બાદ 200 કિલોમીટર સુધી ચાલે છે. આ કારની બેટરી પર 1 લાખ કિલોમીટર અથવા 3 વર્ષ સુધીની વોરંટી મળે છે. કારને સંપૂર્ણ ચાર્જ થવામાં 3 કલાકનો સમય લાગે છે. આ રીતે કાર 40 પૈસા પ્રતિ કિલોમીટરની માઈલેજ આપે છે. આ કારની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાકની છે. STROM R3ની કિંમત 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જો કે કંપનીએ તેની સત્તાવાર કિંમત જાહેર કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube