હવે ફેસબુકથી કરી શકાશે ડેટિંગ, આવું છે પ્લાનિંગ
ફેસબુક સતત નવી ટેકનોલોજીથી પોતાને અપડેટ કરે છે
નવી દિલ્હી : મોબાઇલ ડેટિંગ એપ ટિંડર અને બંબલને પડકાર આપવા માટે ફેસબુકે પોતાના ડેટિંગ પ્રોજેક્ટનું પોતાના કર્મચારીઓ વચ્ચે પરિક્ષણ શરૂ કરી દીધું છે. ધ વર્જમાં પબ્લિશ થયેલા રિપોર્ટ પ્રમાણે એક સ્વતંત્ર એપ એક્સપર્ટ જેન મંચુગ વોંગે ડેટિંગ ફિચરના પરિક્ષણ પછી માહિતી આપી છે કે આ ઉત્પાદન અમેરિકાના ફેસબુક કર્મચારીઓ માટે છે. આ કર્મચારીઓએ ફેસબુકના નવા ડેટિંગ ઉત્પાદનના પરિક્ષણમાં શામેલ થવાનો નિર્ણય લીધો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકે પોતાના કર્મચારીઓને કહ્યું છે કે તેના ડેટિંગ પ્રોફાઇલમાં ખોટા ડેટાનો ઉપયોગ નહીં કરવામાં આવે. કંપનીએ આ ડેટિંગ એપને સાર્વજનિક રીતે લોન્ચ કરતા પહેલાં આ તમામ ડેટાને ડિલિટ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે આ ટેસ્ટિંગમાં શામેલ થવાનો નિર્ણય સ્વૈચ્છિક છે અને એના કારણે નોકરી પર કોઈ અસર નહીં પડે.
ફેસબુકના મખ્ય કાર્યકારી અધિકારી માર્ક ઝુકરબર્ગે કહ્યું છેકે અમે આ એપને લાંબા ગાળાના સંબંધો જોડવા માટે તૈયાર કરી રહ્યા છીએ, માત્ર એક રાતના સંબંધો માટે નહીં. અમે એને પ્રાઇવસી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. તમારા મિત્ર તમારી ડેટિંગ પ્રોફાઇલને નહીં જોઈ શકે અને માત્ર એ લોકો સાથે જ ડેટિંગ કરવાની સલાહ મળશે જે તમારા ફ્રેન્ડ લિસ્ટમાં નથી.