નવી દિલ્હી: ટેલીકોમ વિભાગ બનાવટી ન્યૂઝ, અફવાઓ અને ચાઇલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે ફેસબૂક, વ્હોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ એપને બ્લોક કરવાના રસ્તા વિચારી રહ્યા છે. આ માટેના ઉપાયના સૂચવવા માટે ટેલિકોમ કંપનીઓ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને જણાવવામાં આવ્યું છે. ટેલિકોમ વિભાગે આ મુદ્દે વૈશ્વિક સોશિયલ મીડિયા કંપનીઓ સાથે વાટાઘાટ કરવાની યોજનાઓ છે. ખાસ કરીને ફેક ન્યૂઝને અંકુશમાં રાખવાની ચિંતા મોટો પ્રશ્ન બની છે. બનાવટી અને વાઇરલ મેસેજ કે અફવાઓને કારણે દેશમાં હિંસક ઘટનાઓ બની હતી. જેને કારણે નિર્દોષ લોકો ભોગ બન્યા જે ખૂબ ગંભીર બાબત છે. 2019ની ચૂંટણીમાં ફેક ન્યૂઝના આધારે મતદારો પર પ્રભાવ પાડવાનો પણ પ્રયાસ થાય તેવો ભય સેવાઇ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટેલિકોમ વિભાગે 18 જુલાઇના ટેલિકોમ કંપનીઓ જેવી કે ભારતી એરટેલ, રિલાયન્સ જિયો, વોડાફોન, આઇડિયા પત્ર લખ્યો હતો અને સોશિયલ સાઇટ્સની મોબાઇલ એપને ઇન્ટરનેટ પર કઇ રીતે બ્લોક કરી શકાય તે માટે અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગે ISP ઇન્ડસ્ટ્રીની સંસ્થાઓને પણ પત્ર મોકલી અભિપ્રાય મંગાવ્યો હતો. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય તથા લીગલ એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ સોશિયલ મીડિયા એપ અંગે મુદ્દા ઉઠાવ્યા છે. 4 જુલાઇના રોજ ટેલિકોમ વિભાગની બેઠકમાં પણ એપને બ્લોક કરવા માટે ટેક્નિકલ ઇનપુટ મંગાવવામાં આવ્યા હતા. આ બ્લોકિંગ લાગુ કરવામાં આવશે તો તે IT એક્ટના સેક્શન 69A હેઠળ થશે.


IT એક્ટના સેક્શન 69A પ્રમાણે કોઇ પણ કમ્પ્યુટર એપ્લિકેશન દ્વારા માહિતીનો પબ્લિક એક્સેસ અટકાવવા દિશાનિર્દેશન માંગવવામાં આવ્યા હતા. ટેલિકોમ વિભાગે આ મામલે 28 જૂનના પત્ર લખ્યો હતો અને 3 ઓગસ્ટના તેનું રિમાઇન્ડ પણ મોકલવામાં આવ્યું હતું. IT મંત્રાલયના અધિકારીના જણાવ્યા અનુસાર વ્હોટ્સએપે સરકારની મુખ્ય માંગણીને સ્વીકારી નથી. સરકારની માંગ હતી કે મેસેજ ક્યાંથી આવ્યો છે તે દર્શાવવામાં આવે. સરકાર હાલ આ સમગ્ર મામલે વિચાર કરી રહી છે.


સરકાર ખાસકરીને વોટ્સઅપના ઉપયોગને લઇને ચિતિંત છે કારણ કે તેનાથી અફવાઓ ફેલાવવામાં એકદમ ઓછો સમય લાગે છે. જોકે વોટ્સઅપે થોડા દિવસો પહેલાં કેટલાક પગલાં ભરીને પોતાના સંદેશોને ફોરવર્ડ કરવાની સુવિધાને સીમિત કરી દીધી છે. પરંતુ તેને સંદેશના સ્ત્રોતને શોધવાની કાર્યવાહી પર અસહમતિ વ્યક્ત કરી છે. ટેલીકોમ વિભાગની પહેલને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા એસોચૈમે અતિવાદી, બિનજરૂરી અને દેશની પ્રતિષ્ઠાને ધૂમિલ કરનાર ગણાવ્યું છે.