રેકોર્ડતોડ! એક વર્ષમાં આ કંપનીએ તાબડતોડ વેચી 20 લાખ કાર, ભારતમાં તેની નજીક દૂર-દૂર સુધી કોઈ નહીં
મારૂતિએ પાછલા નાણાકીય વર્ષમાં રેકોર્ડતોડ વેચાણ હાસિલ કર્યું છે. વર્ષ દરમિયાન આ કંપનીએ 20 લાખથી વધુ કારોનું વેચાણ કર્યું છે. વેચાણમાં તેની પાછળ દૂર-દૂર સુધી બીજી કોઈ કંપની નથી.
નવી દિલ્હીઃ મારૂતિ સુઝુકી ઈન્ડિયા (Maruti Suzuki India)એ નાણાકીય વર્ષ 2023-24 માટે પોતાના ચોથા ક્વાર્ટરના પરિણામોનો ખુલાસો કરી દીધો છે, જે પાછલા નાણાકીય વર્ષના સમાનગાળામાં 2,623.6 કરોડની તુલનામાં નેટ પ્રોફિટમાં 47.8 ટકાની ઉલ્લેખનીય વૃદ્ધિ દર્શાવે છે. આ સાથે કંપનીનો નેટ પ્રોફિટ 3,877.8 કરોડ થઈ ગયો છે. આ વચ્ચે મારૂતિ સુઝુકીનું વાર્ષિક વેચાણ 2 મિલિયન યુનિટથી વધુ થઈ ગયું છે. કંપનીએ સતત ત્રીજા વર્ષે ભારતમાં પેસેન્જર વ્હીકલના ટોપ નિકાસકારના રૂપમાં પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે.
કંપનીએ પોતાના ફાઈલિંગમાં એક્સચેન્જને જાણકારી આપી કે Q4 FY24 માં વેચાણથી કંપનીનું ટોટલ રેવેન્યૂ 36,697.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું, જે પાછલા વર્ષના આ ક્વાર્ટરમાં 30,821.8 કરોડ હતું. ઓટોમેકર બોર્ડે 125 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડનો પ્રસ્તાવ રાખ્યો છે, જે કંપની દ્વારા અત્યાર સુધીનું સૌથી વધુ ડિવિડન્ડ છે અને નાણાકીય વર્ષ 2023માં 90 રૂપિયા પ્રતિ શેરના લાભાંશની વૃદ્ધિ છે.
આ પણ વાંચોઃ Wagon R ને ભૂલી જાવ, આ કાર છે મારૂતિ સુઝુકીનું ખરૂ સોનું, માઇલેજમાં સૌથી આગળ
કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન તેનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વેચાણ વોલ્યુમ, નિકાસ, ચોખ્ખો વેચાણ અને ચોખ્ખો નફો પણ હાંસલ કર્યો છે. નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ કુલ 2,135,323 વાહન વેચ્યા, જે નાણાકીય વર્ષ 2022-2023ની તુલનામાં 8.6 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઘરેલુ વેચાણની માત્રા 1,852,256 યુનિટ સુધી પહોંચી ગઈ, જ્યારે નિકાસ 283,067 યુનિટ રહી.
કંપનીએ 1987માં નિકાસ શરૂ કરી હતી અને હવે ભારતથી કુલ વાહન નિકાસમાં લગભગ 40 ટકાનું યોગદાન આપે છે. તાજેતરમાં મારૂતિ સુઝુકી પણ ભારતમાં 3 કરોડથી વધુ કાર યુનિટના ઉત્પાદનના સંચીત માઇલસ્ટોન સુધી પહોંચી ગઈ છે.