8 મિનિટ ચાર્જ કરીને 200 કિલોમીટર દોડાવો કાર !
હાલમાં આ ટેકનોલોજી લોન્ચ કરવામાં આવી છે
નવી દિલ્હી : ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપની એબીબીએ વૈશ્વિક મોબિલિટી સંમેલન દરમિયાન શુક્રવારે ઝડપથી વાહન ચાર્જ કરવાની સિસ્ટમ રજૂ કરી. આ સિસ્ટમ કારની બેટરીમાં આઠ મિનિટમાં ચાર્જ કરી શકે છે અને એના કારણે કાર 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શરૂ થયેલા મૂવ ગ્લોબલ મોબિલિટી સંમેલનમાં એબીબીના સીઇઓ ઉલરિચ સ્પિસશોફર પણ હાજર હતા.
એબીબીએ માહિતી આપી છે કે ‘ભારતમાં એબીબીએ ટેરા એચપી ત્વરિત ચાર્જિંગ સિસ્ટમ રજૂ કરી છે. આ સિસ્ટમ આઠ મિનિટમાં કારને ચાર્જ કરી શકે છે અને આ કારણે કાર 200 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સિસ્ટમ નેશનલ હાઇવે તેમજ પેટ્રોલ પંપ પર લગાવી શકાય છે. આ સિસ્ટમથી ચાર્જિંગ થવામાં લાગતા સમયમાં ઘટાડો કરવા માટે વધારે વીજળીની જરૂર પડે છે.’
સાત વર્ષ પહેલાં કંપનીએ ઇલેકટ્રિક વ્હિકલ ચાર્જિંગની દુનિયામાં એન્ટ્રી લીધી હતી. કંપનીએ ચાર્જિંગમાં લાગતા સમયમાં ઘટાડો કરી દીધો છે. આ પહેલાં એક કારને ચાર્જ કરવામાં કલાકો લાગતા હતા. આજે એબીબીના ચાર્જરની ગણતરી દુનિયાના ફાસ્ટ ચાર્જરમાં થાય છે. આ કંપનીના 68 દેશોમાં લગભગ 8000 સ્ટેશન છે. કેટલાક મહિનાઓ પહેલાં જર્મનીના હનોવરમાં કંપનીએ ન્યૂ ટેરા હાઇ પાવર ઇવી ચાર્જર રજૂ કર્યું છે જે એક કારને માત્ર આઠ મિનિટમાં ચાર્જ કરે છે. આ ચાર્જિંગ પછી કારને 200 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.