નવી દિલ્હીઃ આધુનિક ટેક્નોલોજીના યુગમાં આજે અવિશ્વસનીય અને અચંભામાં મુકી દે તેવી તેવી વસ્તુઓ માર્કેટમાં મળી રહી છે. સ્માર્ટફોન, સ્માર્ટ ટીવી સહિતની સ્માર્ટ વસ્તુઓ અંગે તો તમે માહિતગાર હશો. પરંતુ શું તમે સ્માર્ટ ઓશિકું જોયું છે. જી હાં, શાઓમી કંપનીએ સ્માર્ટ ઓશિકું લોન્ચ કર્યું છે. શું છે ખાસ આ ઓશીકામાં આવો જાણીએ આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્માર્ટફોન બ્રાન્ડ Xiaomiએ સ્થાનિક બજારમાં તેના ક્રાઉડફંડિંગ અભિયાનમાં MIJIA સ્માર્ટ પિલો લોન્ચ કર્યું છે. આ સ્માર્ટ ઓશીકું પીઝોઈલેક્ટ્રિક સેન્સર સપોર્ટ સાથે આવે છે, જે હૃદયના ધબકારા, શરીરની હલનચલન, શ્વાસ તેમજ નસકોરાને ચોક્કસ રીતે ટ્રેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરથી ચીનના Xiaomi મોલમાં ક્રાઉડફંડિંગ કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે.


Xiaomi MIJIA સ્માર્ટ પિલોની કિંમત-
Xiaomi MIJIA સ્માર્ટ પિલો ક્રાઉડફંડિંગ અભિયાનમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઓશીકાની કિંમત 299 યુઆન એટલે કે આશરે 3,400 રૂપિયા છે, પરંતુ કેમ્પેનમાં તેને 259 યુઆન એટલે કે લગભગ 3,000 રૂપિયામાં ખરીદી શકાય છે. એવી અપેક્ષા છે કે કંપની ટૂંક સમયમાં તેને ભારતમાં પણ રજૂ કરી શકે છે. Xiaomi તરફથી આ સ્માર્ટ ઓશીકું 10 સેમી અને 12 સેમી એમ 2 સાઈઝમાં ખરીદી શકાશે.


Xiaomi MIJIA સ્માર્ટ પિલોમાં શું છે ખાસ?
સ્માર્ટ પિલો હેલ્થ અને ફિટનેસને ટ્રેક કરવા માટે બનાવવામાં આવ્યું છે. તેને ટ્રેકિંગ માટે AI અલ્ગોરિધમથી સજ્જ કરવામાં આવ્યું છે. તે હૃદયના ધબકારા, શરીરની હલનચલન, શ્વાસ તેમજ નસકોરાને ટ્રેક કરે છે. એટલું જ નહીં સ્માર્ટ ઓશીકા દ્વારા ગાઢ ઊંઘની સાથે ઊંઘની સ્થિતિ પણ નોંધી શકાય છે.


Xiaomi MIJIA સ્માર્ટ પિલો બેટરી-
MIJIA સ્માર્ટ પિલો બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આવે છે, જેને સ્માર્ટફોન સાથે સરળતાથી કનેક્ટ અને નિયંત્રિત કરી શકાય છે. સ્માર્ટ પિલો AAA બેટરીથી ચાલે છે, જે એકવાર બેટરી ઇન્સ્ટોલ થઈ ગયા પછી 60 દિવસ માટે વાપરી શકાય છે. MIJIA સ્માર્ટ ઓશીકાને ધોઈ પણ શકાય છે. આ સાથે તકિયામાં એન્ટીબેક્ટેરિયલ પ્રોટેક્શન પણ મળે છે.