નવી દિલ્લીઃ ટ્વિટર તેના યૂઝર્સ માટે અવનવા ફિચર્સ રોલઆઉટ કરતું રહે છે. હાલમાં જ ટ્વિટરે તેના પ્લેટફોર્મ પર TikTok જેવું એક શાનદાર ફીચર બહાર પાડ્યું છે. માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરે તેનું નામ ટ્વીટ ટેક(Tweet Take) રાખ્યું છે. ટ્વિટરે ટ્વિટ કરી આ જાણકારી આપી છે. આ નવા ફીચર દ્વારા કંપની તેના યુઝર્સને 'ક્વોટ ટ્વીટ વિથ રિએક્શન'(Quote Tweet With Reaction)ની સુવિધા આપશે. આવો જાણીએ આ ફીચર વિશે સમગ્ર વિગત. iOS બીટા વર્ઝન માટે રોલ આઉટ થશે- હાલમાં, યુઝર્સને તેમના ક્વોટ સાથે કોઈપણની ટ્વિટનો જવાબ આપવા માટે ક્વોટ ટ્વિટ વિકલ્પ પર ક્લિક કરવું પડતું હતું. પરંતુ હવે તમે એ જ ક્વોટ રિપ્લાયમાં તમારા ફોટો અથવા વીડિયો સાથે જવાબ પણ આપી શકશો. તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શક્શો તે પણ જણાવાયું છે. 'ક્વોટ ટ્વીટ વિથ રિએક્શન' (Quote Tweet With Reaction) ફીચર હાલમાં iOS બીટા વર્ઝન પર રિલીઝ કરવામાં આવ્યું છે. એટલે કે આ સમયે iOSના બીટા યુઝર્સ આ નવા ફીચરનું પરીક્ષણ કરશે. ત્યારપછી આ ફીચર એન્ડ્રોઈડ યુઝર્સ સહિત અન્ય તમામ યુઝર્સ માટે પણ શરૂ કરવામાં આવશે. ટ્વિટરનું નવું ફીચર- ટ્વિટરનું આ નવું ફીચર ટિકટોકના ફીચર જેવું જ છે, જેમાં યુઝર્સ કોઈના વીડિયોનો જવાબ પોતાના ફોટો કે વીડિયોથી આપી શકે છે. ટ્વિટર પણ આવા મજેદાર ફીચરને રજૂ કરીને તેના યુઝર્સને તેના પ્લેટફોર્મ સાથે કનેક્ટ રાખવા માગે છે. હવે જોવાનું એ રહેશે કે ટ્વિટરનું આ નવું ફીચર યુઝર્સને કેટલું પસંદ આવે છે.  



તમને જણાવી દઈએ કે ટ્વિટરનું આ નવું ફીચર તેના જૂના ફીચર Fleets જેવું છે. ફ્લીટ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ જેવું જ હતું, જેમાં યુઝર્સ તેમની ગેલેરીમાંથી કોઈપણ ફોટો કે વીડિયો ટ્વીટ કરી શકતા હતા અને તે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ 24 કલાક પછી અદ્રશ્ય થઈ જતા હતા. જોકે, ટ્વિટરે ગયા વર્ષે ઓગસ્ટ 2021માં આ ફીચરને લોન્ચ કર્યાના 8 મહિના બાદ જ બંધ કરી દીધું હતું. હવે આ વખતે ટ્વિટર ફ્લીટ્સની જેમ જ એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું છે અને તેને ટ્વીટ ટેક નામ આપવામાં આવ્યું છે.