TRAIએ લીધો મોટો નિર્ણય, ગ્રાહકો માટે સાબિત થશે ખુશખબરી
ભારતમાં 2011માં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ કરવામાં આવી હતી
નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને પગલે ગ્રાહકને સારો એવો ફાયદો થશે. જો ગ્રાહક તેની ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીથી ખુશ ન હોય અને પોતાનો મોબાઇલ નંબર બદલવા ઇચ્છતો હોય તો હવે તૈયાર થઈ રહેલી નવી પોલીસી પ્રમાણે હવે મોબાઇલ નંબર માત્ર બે જ દિવસમાં બીજી કંપનીમાં પોર્ટ થઇ જશે.
ટ્રાઇ તરફથી તૈયાર કરવામાં આવેલ આ નવા ડ્રાફટ મુજબ હવે મોબાઇલ પોર્ટેબિલિટી માટે વર્તમાન સાત દિવસની સમયમર્યાદા ઘટાડીને બે દિવસની કરવામાં આવી છે. જોકે જમ્મુ-કાશ્મીર, આસામ અને પૂર્વોત્તરનાં રાજ્યમાં આ નવો નિયમ લાગુ પડશે નહીં. આ રાજ્યમાં પહેલાંની જેમ જ 15 દિવસની સમયમર્યાદા મોબાઇલ પોર્ટેબિલિટી માટે અમલમાં રહેશે.
ભારતમાં 2011માં મોબાઇલ નંબર પોર્ટેબિલિટી સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાનો લાભ લેવા માટે પહેલાં ટ્રાઇ દ્વારા 19 રૂ.ની ફી નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાહકોની ફરિયાદ બાદ ટ્રાઇએ આ ફી ઘટાડીને 4 રૂ. કરી દીધી હતી. ફી ઘટાડાના કારણે પોર્ટેબિલિટીની સેવા આપતી કંપનીઓની ખોટ વધી રહી છે.આ કારણસર કંપનીઓએ 2019ના માર્ચ મહિનાથી સેવા આપવાનો ઇનકાર કર્યો છે. ગ્રાહક કોઈ મોબાઇલ કંપનીની સેવાઓ 90 દિવસ સુધી ઉપયોગમાં લીધા બાદ પોર્ટેબિલિટી સેવાનો લાભ લઇ શકે છે.