Xiaomiએ વધારી Redmi 6 અને Redmi 6Aની કિંમત, જાણો નવી કિંમત
કંપનીએ કિંમતમાં વધારાની જાહેરાત કરી છે
નવી દિલ્હી : ચાઇનીઝ હેન્ડસેટ નિર્માતા કંપની Xiaomi (શાઓમી)એ શનિવારે પોતાના સ્માર્ટફોન રેડમી 6 અને રેડમી 6એની કિંમતમાં વધારાની જાહેરાત કરી છે. આ સિવાય કંપનીએ મી પાવરબેંક 2 આઇ અને મીટીવી (32 ઇંચ પ્રો અને 49 ઇંચ પ્રો વેરિઅન્ટ)ની કિંમતમાં પણ વધારાની જાહેરાત કરી છે. આ નવી કિંમત 11 નવેમ્બરથી લાગુ પાડવામાં આવશે. શાઓમીએ પોતાના પોતાના ત્રણ હેન્ડસેટ રેડમી 6, રેડમી 6એ અને રેડમી 6 પ્રોને આ વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ત્રણેય મોડલને ગયા અઠવાડિયે ઓપન સેલમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કંપનીએ આમાંથી રેડમી 6 અને રેડમી 6એની કિંમત વધારી દીધી છે.
શાઓમી ગ્લોબલના ઉપાધ્યક્ષ અને શાઓમી ઇન્ડિયાના ટોચના અધિકારી મનુ જૈને ટ્વીટ કરીને કહ્યું છે કે, "કંપનીના ચાહકો! ડોલરની સરખામણીમાં રૂપિયો આ વર્ષની શરૂઆતથી 15 ટકાથી વધારે ઘટ્યો છે. આ માટે અમે રેડમી 6, રેડમી 6એ, મી પાવરબેંક અને મીટીવીની કિંમત વધારી રહ્યા છીએ."
હવે રેડમી 6એ (2જીબી રેમ અને 16 જીબી રેમ)ની કિંમત 600 રૂ. વધીને 6,599 રૂ. થશે. હવે 2 જીબી રેમ અને 32 જીબી રોમના વેરિઅન્ટની કિંમત 7,499 રૂ. થશે. કંપનીના અન્ય મોડલ રેડમી 6ની કિંમત હવે 8,499 રૂ. થશે. શાઓમીની 10,000 એમએએચની પાવર બેંક 2 આઇ બ્લેકની કિંમત 100 રૂ. વધીને 899 રૂ. થઈ ગઈ છે.