વડોદરાને સ્માર્ટ સિટી બનાવવા માટે પાલિકા તંત્ર પહેલા સ્માર્ટ રોડ બનાવી રહી છે. જેના માટે પાલિકાએ એક જાહેર નોટિસ બહાર પાડી છે. વડોદરા સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીએ વડોદરાના કેટલાક રોડ પર કોઈ પણ ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટરને વાયરીંગ કે અન્ય કામગીરી કરવી હોય તો 7 દિવસમાં રોડ શાખાનો સંપર્ક કરવા આદેશ કર્યો છે. પાલિકા એક એપ્રિલથી સ્માર્ટ રોડ પર રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરશે. જેથી જે ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટર કે કેબલ ઓપરેટર સાત દિવસ બાદ રોડ પર કામગીરી કરવા માંગતા હશે તેમને પાલિકા મંજૂરી નહીં આપે. એક વખત સ્માર્ટ રોડ બનાવ્યા બાદ પાલિકા તંત્ર પાંચ વર્ષ સુધી કોઈને પણ રોડ ખોદવા નહી દે તેવી જાહેરાત કરાઈ છે.
વડોદરા. રાજ્યનું એક એવુ શહેર છે જ્યાં નગરજનોના વાંચન માટે પાલિકા સંચાલિત એક પણ લાઈબ્રેરી નથી. શહેરના સુભાનપુરા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચે એક લાઈબ્રેરી બનાવવામાં આવી હતી. જેનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવ્યું છે. બીજા શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 45 તેમજ સુરત માં 106 જેટલી લાઈબ્રેરીનું સંચાલન નગરપાલિકા કરી રહી છે. સુભાનપુરાની લાઈબ્રેરી બે વર્ષથી ખંડેર હાલતમાં છે. હાલ આ લાઈબ્રેરીને તાળા લાગી ગયા છે જેના કારણે વાંચન પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.