અમદાવાદમાં આજે પિંકાથોનનું આયોજન કરાયું હતું. રિવરફ્રન્ટ પર મહિલાઓના સ્વાસ્થ્યની જાગૃતિ માટે મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં મોટા પ્રમાણમાં અમદાવાદની મહિલાઓ અને યુવતીઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં છેલ્લા 4 વર્ષથી મહિલાઓમાં કેન્સર પ્રત્યે જાગૃતિ અને તેમના વહેલા ઉપચારની જાગૃતિ માટે પિંકાથોનનું આયોજન કરાય છે. પિંકાથોનના આયોજનમાં બોલિવુડના પ્રખ્યાત અભિનેતા અને એથલિટ મિલિન્દ સોમણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પિંકાથોન બાદ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે વાળ દાન કરવા માટે મહિલાઓને મેસેજ આપ્યો હતો. એટલું જ નહિ, સ્ટેજ પર મહિલાઓને પોતાના વાળ કાપીને કેન્સરગ્રસ્ત મહિલાઓને દાન કરવા માટે પ્રેર્યા હતા. પિંકાથોનના આયોજનમાં અનેક મહિલાઓએ પોતાના વાળ કપાવીને કેન્સરગ્રસ્ત મહિલાઓને દાન કર્યા હતા. તો અભિનેતા મિલિન્દ સોમણે નિર્ભયાના દોષીઓને લઇને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, મહિલાઓ સાથે કેવી રીતે વર્તન કરવું તે સમાજને શીખવવું પડશે....