બ્રાઝીલમાં અજાણ્યા લોકોએ બેંક પર કર્યો હુમલો, એક જ પરિવારના 12 લોકોના મોત
બ્રાઝીલના મિલાગ્રેસ શહેરમાં બે બેંકો પર હુમલાની ઘટનામાં પાંચ બંધકો સહિત 12 લોકો માર્યા ગયાં.
રિયો ડિ જિનેરો: બ્રાઝીલના મિલાગ્રેસ શહેરમાં બે બેંકો પર હુમલાની ઘટનામાં પાંચ બંધકો સહિત 12 લોકો માર્યા ગયાં. સ્થાનિક મેયર લેઈલસન લેન્ડિમે ફોલ્હા ડિ સાઓ પાઉલો અખબારને જણાવ્યું કે માર્યા ગયેલા પાંચેય બંધક એક જ પરિવારના હતાં. આ લોકો પાસેના એરપોર્ટથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે જ કેટલાક લૂટારુંઓએ તેમને બંધક બનાવી દીધા હતાં.
સિએરા પ્રાંતના સુરક્ષા મંત્રી એન્ડ્રે કોસ્ટાએ એક નિવેદનમાં કહ્યું કે માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે જ મોતની પરિસ્થિતિઓ અંગે ભાળ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે તેમણે એ ન જણાવ્યું કે બંધકોના મોત કોની ગોળીથી થયા છે. લેન્ડિમે પહેલા જ કહ્યું હતું કે પ્રારંભિક સૂચનાથી લાગ્યું હતું કે અપરાધીઓએ બંધકોને માર્યા અને પોલીસે અપરાધીઓને ઠાર કર્યાં.
કોસ્ટાના કાર્યાલય મુજબ બે શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે. કાર્યાલયના જણાવ્યાં મુજબ હથિયારોથી લેસ જૂથ શહેરમાં ઘૂસ્યો અને શહેરની મધ્યમાં પહોંચીને તેણે ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી. સંદિગ્ધો અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું. નિવેદનમાં કહેવાયું કે જૂથના 6 સભ્યો માર્યા ગયાં અને છ અન્ય લોકો ફાયરિંગના કારણે માર્યા ગયા. માર્યા ગયેલા 12માં વ્યક્તિની ઓળખ હાલ થઈ શકી નથી. બેંક પર હુમલો કરવામાં ઉપયોગમાં લેવાયેલા 3 વાહનો, અનેક હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરાયા છે. જૂથે મિલાગ્રેસમાં એક જ માર્ગ પર સ્થિત બે બેંકો પર વહેલી સવારે હુમલો કર્યો.
ઝી1 ન્યૂઝ વેબસાઈટના અહેવાલ મુજબ લુટારુંઓએ ટ્રક લગાવીને માર્ગમાં અવરોધ ઊભો કર્યો હતો અને કારને રોકી. આ કારમાં એક પરિવાર તથા તેમના સંબંધીઓ સવાર હતા. આ લોકો પરિવારની સાથે ક્રિસમસ મનાવવા માટે સાઓ પાઉલો પહોંચ્યા હતાં. ન્યૂઝ વેબસાઈટ મુજબ લુટારુંઓએ પોલીસ આવતા બંધકોની હત્યા કરી નાખી હતી. અને જૂથના કેટલાક લોકો ફરાર થઈ ગયાં. સ્થાનિક નિવાસી સેન્ટા હેલેનાએ મીડિયાને કહ્યું કે મેં આ પ્રકારની ઘટના પહેલા ક્યારેય જોઈ નથી. હું ઘરમાં જ રહી, છૂપાયેલી હતી અને ડરેલી હતી.