ઓમાનના તટ પર ડૂબેલા કોમોરોસ ધ્વજવાળા ઓઈલ ટેન્કરના 16 ક્રુ સભ્યો હજુ પણ ગૂમ છે. દેશના સમુદ્રી સુરક્ષા સેન્ટરે ડૂબવાની સૂચનાના એક દિવસ બાદ મંગળવારે આ જાણકારી આપી. આ ઓઈલ ટેન્કર યમનના એડન પોર્ટ પર જઈ રહ્યું હતું. ઓમાની સેન્ટરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે પ્રેસ્ટીજ ફાલ્કનના ક્રુ સભ્યોમાં 13 ભારતીય નાગરિકો અને 3 શ્રીલંકન સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોયટર્સના જણાવ્યાં મુજબ સેન્ટરે જણાવ્યું કે જહાજ હજુ પણ પાણીમાં ડૂબેલું છે અને ઊંધુ પડ્યું છે. જો કે તેમણે એ કન્ફર્મ કર્યું નથી કે જહાજ સ્થિર થઈ ગયું કે નહીં કે ઓઈલ કે ઓઈલની પ્રોડક્ટ સમુદ્રમાં લીક થઈ રહી છે કે નહીં. 


દુકમ પાસે પલટ્યુ ટેન્કર
LSEG ના શિપિંગ ડેટાથી ખબર પડી કે ટેન્કર યમનના એડન પોર્ટ તરફ જઈ રહ્યું હતું અને ઓમાનના પ્રમુખ ઔદ્યોગિક બંદર દુકમ પાસે પલટી ગયું. શિપિંગ ડેટાથી  જાણવા મળ્યું કે આ જહાજ 2007માં બનેલું 117 મીટર લાંબુ ઓઈલ પ્રોડક્ટ ટેન્કર છે. આવા નાના ટેન્કરોનો ઉપયોગ સામાન્ય રીતે નાની દરિયાઈ મુસાફરીઓ માટે થાય છે. ઓમાનની સરકારી સમાચાર એજન્સીએ સોમવારે મોડી રાતે જણાવ્યું કે ઓમાની અધિકારીઓએ સમુદ્રી અધિકારીઓ સાથે ઘટનાસ્થળે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશન ચલાવ્યું. 


મુખ્ય બંદર છે દુકમ
દુકમ બંદર એ ઓમાનના દક્ષિણ-પશ્ચિમ તટ પર આવેલું છે. તે સલ્તનતની પ્રમુખ ઓઈલ અને ગેસ ખનન પ્રોજેક્ટ્સની નજીક છે જેમાં એક મુખ્ય ઓઈલ રિફાઈનરી પણ સામેલ છે. તે દુકમના વિશાળ ઈન્ડસ્ટ્રીયલ ઝોનનો ભાગ છે જે ઓમાનનો સૌથી મોટો સિંગલ ઈકોનોમિક પ્રોજેક્ટ છે.