20ની ધરપકડ, 150 પર કેસ અને મંદિરનું કામ શરૂ, SCની ફટકાર બાદ મજબૂર થયું પાકિસ્તાન
જિલ્લા પોલીસ અધિકારી રહીમ યાર ખાન અસદ સરફરાઝે સંવાદદાતાઓને કહ્યુ કે, અમે અત્યાર સુધી ભોંગમાં મંદિર પર હુમલો કરવામાં કથિત રૂપથી સામેલ 20થી વધુ લોકોની ધરપકડ કરી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં હિન્દુઓના મંદિર પર હુમલો કરવા અને તેને નુકસાન પહોંચાડવાના મામલામાં ભારત સરકારના દબાણની ઇમરાન સરકાર પર અસર દેખાઈ રહી છે. ભારત સરકારના આકરા વિરોધ અને પાક સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ પાકિસ્તાનની પોલીસ એક્શનમાં આવી છે. પંજાબ પ્રાંતની પોલીસે શનિવારે કહ્યુ કે, હિન્દુ મંદિર પર હુમલામાં સામેલ 20 લોકોની ધરપડક કરવામાં આવી છે અને 150થી વધુ લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પોલીસે જણાવ્યું કે મંદિરના જીર્ણોદ્રાવનું કામ પણ શરૂ થઈ ગયું છે.
હકીકતમાં મંદિર પર હુમલાના મામલામાં પોલીસની આ કાર્યવાહી તે ફટકાર બાદ થઈ છે, જેમાં પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે શુક્રવારે હુમલો રોકવામાં નિષ્ફળ અધિકારીઓને ફટકાર લગાવી હતી અને દોષીતોની ધરપકડનો આદેશ આપ્યો હતો. ન્યાયાલયે કહ્યું કે આ ઘટનાથી વિદેશમાં દેશની છબી ખરાબ થઈ છે.
સીસીટીવીથી થઈ રહી છે દોષીતોની ઓળખ
જિલ્લા પોલીસ અધિકારી રહીમ યાર ખાન અસદ સરફરાઝે સંવાદદાતાઓને કહ્યુ કે, અમે અત્યાર સુધી ભોંગમાં મંદિર પર હુમલો કરવામાં કથિત રૂપથી સામેલ 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેમણે કહ્યું કે, આવનારા દિવસોમાં અન્ય ધરપકડ થવાની આશા છે, કારણ કે પોલીસ વીડિયો ફૂટેજ દ્વારા શંકાસ્પદોની ઓળખ કરી રહી છે. તેમણે કહ્યું કે, મંદિર પર હુમલો કરવામાં સામેલ થવા માટે 150થી વધુ લોકો વિરુદ્ધ આતંકવાદ અને પાકિસ્તાન પીનલ કોડની અન્ય કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ ગુનામાં સામેલ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતના આદેશ પર મંદિરના જીર્ણોદ્વારનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો- taliban ની મદદ કરી રહ્યાં છે 20 સંગઠનોના 10,000થી વધુ વિદેશી આતંકી, UNSCમાં બોલ્યા અફઘાની રાજદૂત
કોર્ટે આ રીતે લગાવી ફટકાર
મુખ્ય ન્યાયાધીશ ગુલઝાર અહમદે ઇસ્લામાબાદમાં મામલા પર સુનાવણી કરી હતી. તેમણે ગુરૂવારે આ મુદ્દો હાથમાં લીધો હતો. સર્વોચ્ચ ન્યાયાલયે ગુરૂવારે પાકિસ્તાન હિન્દુ પરિષદના સંરક્ષક ડો. રમેશ કુમારના મુખ્ય ન્યાયાધીશ સાથે મુલાકાત કર્યા બાદ કોર્ટે મામલો ધ્યાને લીધો હતો. કોર્ટે પોલીસ મહાનિરીક્ષક ઇનામ ગનીને પૂછ્યુ- પોલીસ અને તંત્ર શું કરી રહ્યાં હતા, જ્યારે મંદિર પર હુમલો થયો હતો? તેમણે કહ્યું કે, આ મામલાથી વિશ્વભરમાં પાકિસ્તાનની છબીને નુકસાન પહોંચ્યું છે.
ભારતે કર્યો હતો વિરોધ
ભારતે ગુરૂવારે નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈકમિશનના પ્રભારીને સમન્સ પાઠવ્યુ હતું અને આ ઘટનાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાનમાં હિન્દુ સૌથી મોટો અલ્પસંખ્યક સમુદાય છે. સત્તાવાર અનુમાન પ્રમાણે પાકિસ્તાનમાં 75 લાખ હિન્દુ રહે છે. પરંતુ સમુદાય પ્રમાણે દેશમાં 90 લાખથી વધુ હિન્દુ રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube