ઝી બ્યૂરો, અમદાવાદઃ 31 ઓગસ્ટ બાદ અફઘાનિસ્તાનમાં શું થશે. આ એવી પરિસ્થિતી છે, જે અંગે કોઈ પાસે જવાબ નથી. 31 ઓગસ્ટે અમેરિકા અને નાટોની સેનાનો પરત થવાની ડેડલાઈન છે. તાલિબાને સ્પષ્ટ કહિ દિધું છે કે, તે આનાથી વધુ સમય અમેરિકાને આપી શકે તેમ નથી. હાલ તાલિબાનના ફાઈટર્સ કાબૂલ એરપોર્ટની બહારના ભાગમાં હાજર છે. જ્યારે, આંતરિક સુરક્ષાની જિમ્મેદારી અમેરિકાની સેનાના હાથમાં છે. જેની નજર હેઠળ જ એરપોર્ટનું સંચાલન થઈ રહ્યું છે. પરંતુ, બુધવાર પછી અહીંની સ્થિતી બદલાઈ જશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવામાં પડકારઃ
તાલિબાનના કાબૂલ પર કબ્જા બાદ ત્યાંની પરિસ્થિતી દિવસેને દિવસે બદથી બદતર થતી જઈ રહી છે. કાબૂલના લોકો તેમાં પણ ખાસ કરીને કાબૂલ એરપોર્ટ નજીક રહેતા લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તેમના માટે ચારેય બાજુથી મુશ્કેલીઓના વાદળો ઘેરાઈ રહ્યા છે. કેમ કે લોકોને નથી ખબર કે તેઓ અફઘાનિસ્તાનની બહાર નીકળી શકશે કે નહીં. બીજી બાજુ ત્યાના લોકોને પોતાની સુરક્ષાની પણ ચિંતા સતાવી રહી છે. જ્યારે, અહીંના લોકો હવે મુંઝવણમાં છે કે, 31મી ઓગસ્ટ પછી આગળ તેમનું શું થશે.


લોકોને એરપોર્ટ જવાથી રોકી રહ્યું છે તાલિબાનઃ
તાલિબાને સ્પષ્ટ રીતે કહી દિધું છે કે, તેઓ 31 ઓગસ્ટ પછી કોઈ પણ અફઘાનીને તેમની ધરતી છોડવાની પરવાનગી નહીં આપે. ત્યારે, હાલ તાલિબાને અફઘાનીઓને અપીલ કરી છે કે, તેઓ દેશ નહીં છોડે. સાથે જ તાલિબાને અમેરિકા સિવાયના અન્ય દેશોને પણ ચેતવ્યા છે. તાલિબાને કાબૂલ એરપોર્ટ તરફના તમામ રસ્તાઓ પર જવા માટે લોકોને રોકી રહ્યું છે. અત્યાર, માત્ર વિદેશીઓને જ દસ્તાવેજ બતાવવા પર એરપોર્ટ તરફ જવા દેવામાં આવી રહ્યા છે.


31 ઓગસ્ટ પછી તાલિબાનોના હાથમાં હશે એરપોર્ટનું સંચાલન:
31 ઓગસ્ટ પછી કદાચ તાલિબાની ફાઈટર્સ કાબૂલ એરપોર્ટની અંદર ઘૂસી જશે. જો આવું થાય તો ત્યાંની હાલત ખરાબ થઈ શકે છે. અમેરિકા આ અંગે પોતાની આશંકા વ્યક્ત કરી ચુક્યું છે કે તેમને પોતાના નાગરિક અને સૈનિકોની કાઢવામાં વધુ સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં અફઘાનીઓના તકલીફમાં મુકાઈ શકે છે. જો 31 ઓગસ્ટ સુધીમાં તમામ દેશોની સેના અહીંથી નીકળી જશે તો માત્ર તાલિબાનનો રાજ ત્યાં રહેશે. ત્યારે, આ પરિસ્થિતિમાં કાબૂલ એરપોર્ટની સુરક્ષા પર પણ ખતરો હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે કાબૂલ એરપોર્ટની સુરક્ષા અમેરિકાની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ કરે છે. જે સિસ્ટમ એરપોર્ટ પર થતા હવાઈ હુમલાથી બચાવે છે. અમેરિકાના પરત જવા બાદ અહીં ISIS-Kના હુમલાનો ખતરો વધી શકે છે.


એરપોર્ટ સંચલાનમાં તુર્કી આપશે તાલિબાનનો સાથઃ
તાલિબાનોએ એરપોર્ટ સંચાલન માટે તુર્કી પાસેથી મદદની માગ કરી છે. જે અંગે મહદઅંશે તુર્કીએ સહમતી પણ દર્શાવી છે. જ્યારે, કેટલાક મુદ્દાઓ પર ચર્ચા હજુ ચાલી રહી છે. તુર્કીને હાલમાં ડર સતાવી રહ્યો છે કે, વગર તેમની સૈન્યએ તેમના ટેક્નિકલ માણસોની સુરક્ષા કેવી રીતે સંભવ થશે.


અફઘાનિસ્તાનમાં હજુ પણ હાજર છે વિદેશી સૈનિકોઃ
હાલ અફઘાનિસ્તાનામાં 250-300 લોકો હાજર છે, જે લોકો જલ્દીથી બહાર નીકાળવામાં આવશે. બ્રિટેન પોતાના તમામ નાગરિકો અને સૈનિકોને પરત કાઢી લીધા છે. ત્યારે, જર્મનીએ પણ આવું જ કર્યું છે. તુર્કી પણ પોતાના અંતિમ ભાગમાં છે. ત્યારે, ભારત પણ 31 ઓગસ્ટ સુધીમાં તમામ લોકો પરત લાવવા માગે છે. એટલે જ રોજે રોજ ભારતની ફ્લાઈટો ત્યાં પહોંચીને ત્યાંથી નાગરિકોની બહાર લાવી રહી છે.