સુખ-દુખનું સાથી ચીન, હંમેશા રહેશે દોસ્તી, સત્તામાં આવતા જ ડ્રેગનના વખાણ કરવા લાગ્યા શાહબાઝ
પાકિસ્તાનની સત્તામાં આવવાની સાથે નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ ચીનના ગુણગાન ગાવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાનની દોસ્તી કોઈ છીનવી શકે નહીં અને આ દોસ્તી કયામત સુધી સલામત રહેશે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવેલા રાજકીય ભૂકંપ બાદ ઇમરાન ખાનને સત્તામાંથી બહાર કરી દેવામાં આવ્યા છે અને શાહબાઝ શરીફ નવા પ્રધાનમંત્રી બન્યા છે. પ્રધાનમંત્રી બન્યા પહેલાં તેમણે કાશ્મીરનો રાગ ગાવાનું શરૂ કરી દીધુ હતું. હવે સત્તા મેળવતા તે ચીનના ખોળામાં બેસી ગયા છે. તેણે ચીનને સુખ-દુખનો સાથી ગણાવતા કહ્યુ કે, કયામત સુધી પાકિસ્તાનની તેની સાથે દોસ્તી સલામત રહેશે.
શાહબાઝ શરીફે કહ્યુ- ચીન પાકિસ્તાનનો એક વફાદાર અને સુખ-દુખનો સાથી છે. ચીને દરેક સમયે પાકિસ્તાનનો સાથ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ અમારો સાથ આપ્યો છે. ચીને હંમેશા પાકિસ્તાનને પોતાનો એક ખાસ મિત્ર માન્યો છે. આ મિત્રતા સત્તાની નહીં લોકોની મિત્રતા છે.
તેમણે કહ્યું, કોઈ ગમે તે કરી લે પરંતુ ચીન સાથે અમારી મિત્રતા છીનવી શકે નહીં. પાછલી સરકારે આ દોસ્તીને નબળી પાડવા માટે જે પણ કર્યું તે ખુબ દુખભરી કહાની છે. પાકિસ્તાન અને ચીનની શાનદાર દોસ્તી છે અને તે કયામત સુધી રહેશે. અમે CPEC પર વધુ ઝડપથી કામ કરીશું. અમે શી જિનપિંગ સરકારના આભારી છીએ.
આ પણ વાંચોઃ નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા શાહબાઝ શરીફ, આજે રાત્રે લેશે શપથ
ચીને પણ શાહબાઝને ઇમરાનથી સારા મિત્ર ગણાવ્યા
પાકિસ્તાનની સત્તામાં પરિવર્તન આવતા ચીનના સૂર પણ બદલાયા છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે નવી સરકાર બન્યા બાદ તેના સંબંધ પાકિસ્તાન સાથે વધુ સારા થઈ શકે છે. અખબારમાં શરીફની પ્રશંસા કરવામાં આવી અને કહેવામાં આવ્યુ કે તે એવા પરિવારમાંથી છે જેણે હંમેશા ચીન અને પાકિસ્તાનના મજબૂત સંબંધોનું સમર્થન કર્યું. હવે ઇમરાનના કાર્યકાળથી પણ મજબૂત સંબંધ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube