વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડમાં ઈચ્છા મૃત્યુનો કાયદો રવિવારે એટલે કે 7 નવેમ્બરના રોજથી લાગુ થઈ ગયો છે. હવે અહીં એવા લોકો કે જે ગંભીર બીમારીથી પીડિત છે અને જેની કોઈ દવા જ નથી તેવા દર્દીઓ પોતાની મરજીથી મોતને ગળે લગાવી શકશે. આ અગાઉ અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્પેન, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, કનેડા સહિત કેટલાક અન્ય દેશોમાં ઈચ્છા મૃત્યુને કાનૂની દરજ્જો આપવામાં આવ્યો હતો. આ તમામ દેશોમાં મોતમાં સહયોગ સંલગ્ન અલગ અલગ નિયમો અને શરતો છે. જો કે ન્યૂઝીલેન્ડમાં કાયદાનો વિરોધ પણ થયો હતો. પરંતુ આમ છતાં તેને લાગુ કરી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે ડોક્ટર્સની સહમતિ જરૂરી
અમારી સહયોગી વેબસાઈટ WION માં છપાયેલા અહેવાલ મુજબ ન્યૂઝીલેન્ડમાં ઈચ્છા મૃત્યુ માંગનારા વ્યક્તિએ ઓછામાં ઓછા બે ડોક્ટરોની સહમતિ લેવી જરૂરી છે. અત્રે જણાવવાનું કે આ કાયદાને લાગુ કરવા અંગે ન્યૂઝીલેન્ડમાં લાંબા સમયથી ચર્ચા ચાલુ હતી. ત્યારબાદ જનમત સંગ્રહ કરાવવામાં આવ્યો. જેમાંથી 65 ટકાથી વધુ લોકોએ તેના પક્ષમાં મત આપ્યો. જો કે હજુ પણ એક વર્ગ એવો છે કે જે આ કાયદાનો વિરોધ કરે છે. 


કેન્સર પીડિતે જતાવી આ પ્રતિક્રિયા
કાયદો લાગુ થવા પર પ્રતિક્રિયા આપતા પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત 61 વર્ષના સ્ટુઅર્ટ આર્મ્સ્ટ્રોંગે(Stuart Armstrong) કહ્યું કે હવે તેમને કોઈ ચિંતા નથી કે તેમનું મોત કેવી રીતે થશે. કારણ કે ઈચ્છા મૃત્યુના કારણે દર્દ નહીં થાય. કાયદો કહે છે કે એવા લોકો જે આવી બીમારીઓથી પીડિત છે અને આગામી છ મહિનામાં તેમના મોત શક્ય છે તેમને પોતાની ઈચ્છાથી મૃત્યુ પામવાનો અધિકાર છે. જો ઓછામાં ઓછા બે ડોક્ટરો તેની મંજૂરી આપે તો સંબંધિત વ્યક્તિ પોતાની મરજીથી મોતને ગળે લગાવી શકે છે. 


કાયદાના વિરોધમાં અવાજ ઉઠ્યો
ન્યૂઝીલેન્ડના આ કાયદાનો વિરોધ કરનારાઓના અલગ અલગ તર્ક છે. તેમનું કહેવું છે કે ઈચ્છા મૃત્યુ (Euthanasia) થી સમાજનો માનવ જીવન અને મૂલ્યો પ્રત્યે સન્માન નબળું પડશે. તેનાથી બીમાર કે નબળા લોકો, ખાસ કરીને વિકલાંગોની દેખભાળમાં કમી આવશે. જ્યારે કાયદાનું સમર્થન કરનારા લોકો  કહે છે કે માણસને એ અધિકાર હોવો જોઈએ કે તે કયારે અને કેવી રીતે મરવા માંગે છે. આવામાં ઈચ્છા મૃત્યુ તેને સન્માન સાથે મરવાનો અધિકાર આપે છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દર વર્ષે 950 લોકો નવા કાયદા માટે અરજી કરી શકશે. જેમાંથી 350 લોકોને મંજૂરી અપાશે.   


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube