બર્લિન: જર્મનીમાં એક અજાણ્યા વ્યક્તિએ કેટલાક લોકો પર ગાડી ચલાવી દેતા અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. લગભગ 20 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના મ્યૂનસ્ટર શહેરમાં ઘટી છે. કાર અચાનક આવી અને આસપાસ બેઠેલા અને ઊભેલા લોકો પર ચડાવી દેવાઈ. અહેવાલો મુજબ, લોકોને કચડનારાએ ત્યારબાદ પોતાને ગોળી મારી દીધી હતી. હુમલાખોરની હજુ સુધી ઓળખ થઈ નથી. આ અકસ્માત હતો કે ષડયંત્ર તે પણ હજુ કહી શકાય નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે સોશિયલ મીડિયા પર કેટલાક વિદેશી પત્રકારો તેને આતંકી હુમલો માની રહ્યાં છે. ઘટનાસ્થળની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેને જોઈને લાગે છે કે વ્યક્તિએ કોઈ ખાવા પીવાની જગ્યા પર બેઠેલા લોકો પર ગાડી ચડાવી દીધી હતી. ત્યાં ખુરશીઓ અને સામાન અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યો છે.



જર્મન પોલીસે લોકોને આ ઘટના અંગે અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે. કેટલાક જર્મન અધિકારીઓ એવું માની રહ્યાં છે કે આ ઘટના એક હુમલો છે, પરંતુ હાલ અધિકૃત રીતે તેની પુષ્ટિ કરવામાં આવી નથી. અત્રે જણાવવાનું કે 2016માં પણ જર્મનીમાં આવું ઘટી ચૂક્યું છે. ત્યારે બર્લિનની ક્રિસમસ માર્કેટમાં એક વ્યક્તિએ ટ્રક ચડાવી દેતા 12 લોકોના મોત થયા હતાં.