શું ભૂતાને ભારતના પાણીને રોક્યું હતું? આ તસવીરોથી જાણો સંપૂર્ણ સત્ય
ચીન અને નેપાળ બાદ ભૂતાનથી જે ટેન્શન આપનારી ખબર આવી હતી તેની તો હવા નીકળી ગઈ છે. ભૂતાન પર જે ભારતીય ગામનું પાણી રોકવાનો આરોપ લાગ્યો તે માત્ર એક ગેરસમજ હતી. જેને હવે દૂર કરી લેવાઈ છે. ભૂતાને પોતે આ અંગે સ્પષ્ટીકરણ આપ્યું. આસામના અધિકારીએ તેના પર મહોર લગાવી. ભૂતાને આ અંગેની તસવીરો બહાર પાડી છે.
નવી દિલ્હી: આપણા પાડોશી દેશ ભૂતાનને લઈને એવા અહેવાલો હતાં કે તેણે ભારતના ગામડાને મળતું પાણી રોક્યું છે. આ ગામ આસામનું છે. પરંતુ હવે ભૂતાને આ અંગે સ્પષ્ટતા બહાર પાડીને ચિત્ર સ્પષ્ટ કર્યું છે. પાણી રોકવાની ખબરને ભૂતાને ખોટી ગણાવી છે. આસામના ચીફ સેક્રેટરી સંજય કૃષ્ણાએ પણ કહ્યું કે ભૂતાને પાણી રોક્યું નથી. ભૂતાને તસવીરો બહાર પાડીને જણાવ્યું કે જે ગંદકીના કારણે પાણી રોકાયેલુ હતું તેને ચોખ્ખી કરી નાખવામાં આવી છે.
ભૂતાન પર લાગ્યો હતો આસામનું પાણી રોકવાનો આરોપ
હકીકતમાં એવા અહેવાલો હતાં કે ભૂતાને આસામના બક્સા જિલ્લાના ખેડૂતોને મળતું પાણી રોક્યું છે. આ બાજુ ખેડૂતોએ તો રસ્તાઓ પર ઉતરી જઈને વિરોધ પણ શરૂ કરી દીધો હતો.
ભૂતાને શું કહ્યું પોતાના સ્પષ્ટીકરણમાં?
ભૂતાને પાણી રોકવાના અહેવાલો આવ્યાં બાદ સ્પષ્ટતા કરી. ભૂતાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં જણાવ્યું કે તેમણે પાણી રોક્યું એવા અહેવાલ ખોટા છે. કહેવાયું કે પાણીમાં માટી અને કાંકરાના કારણે ફ્લો અટકી ગયો હતો. જેને ઠીક કરી દેવાયો. આ સાથે જ ભૂતાન દ્વારા તસવીરો પણ બહાર પાડવામાં આવી.
ગેરસમજ થઈ દૂર
ભૂતાન તરફથી નિવેદન આવ્યાં બાદ આસામના ચીફ સેક્રેટરી સંજય કૃષ્ણાનું પણ નિવેદન આવ્યું. કહેવાયું કે પાણી ભૂતાને રોક્યું નહતું. માટી અને કાંકરાના કારણે પાણી રોકાઈ ગયું હતું. કૃષ્ણાએ જણાવ્યું કે ભૂતાનને જેવું આ અંગે જણાવવામાં આવ્યું કે તેમણે ત્યાં સફાઈ કરાવી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube