ભારે ભૂસ્ખલનથી પાપુઆ ન્યુ ગિનીમાં તબાહી, બે હજારથી વધુ લોકોના દટાઈ જવાથી મોત
Papua New Guinea landslide: ઓસ્ટ્રેલિયાની ઉત્તરે સ્થિત એક ટાપુ દેશ પાપુઆ ન્યૂ ગિની ઘણીવાર ભૂકંપ, જ્વાળામુખી અને દરિયાઈ તોફાનોનો શિકાર બન્યો છે. શુક્રવારે, રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એન્ગા પ્રાંતમાં ભૂસ્ખલનમાં બે હજારથી વધુ લોકો દટાયા હતા. જાણો શું છે વધુ અપડેટ...
Papua New Guinea landslide: દુનિયાભરમાં હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ચાલી રહી છે. ત્યારે ક્યાંક ભૂકંપ તો ક્યાંક ભૂસ્ખલ...દુનિયાના અલગ અલગ ખૂણે કુદરત પોતાનો કહેર વર્તાવી રહી છે. કુદરતનો આવો એક ખૌફનાક કહેર ઓસ્ટ્રેલિયાની ઉત્તરે સ્થિત એક ટાપુ પર પડ્યો. જ્યાં કુદરતના કહેરને કારણે 2 હજારથી વધુ લોકોનો ભોગ લેવાયો.
પાપુઆ ન્યુ ગિનીમાં 2000 થી વધુ લોકોના મોતઃ
અહીં વાત થઈ રહી છે ઓસ્ટ્રેલિયાના ઉત્તરમાં સ્થિત પાપુઆ ન્યૂ ગિનીની. જ્યાં ભૂસ્ખલનના કારણે ભારે તબાહી સર્જાઈ છે. પાપુઆ ન્યુ ગિનીમાં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી એએફપીના અહેવાલ અનુસાર, પાપુઆ ન્યુ ગિનીમાં એક સરકારી આપત્તિ કેન્દ્રએ રાજધાની પોર્ટ મોરેસ્બીમાં સંયુક્ત રાષ્ટ્રને જણાવ્યું છે કે ભૂસ્ખલનને કારણે બે હજારથી વધુ લોકોના મોત થયા છે.
પર્વતનો ભાગ ધરાશાયી થતા દટાઈને મર્યા લોકોઃ
અહેવાલ મુજબ, પાપુઆ ન્યુ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં સ્થિત એન્ગા પ્રાંતના એક ગામમાં શુક્રવારે ભૂસ્ખલન થયું હતું. એન્ગા પ્રાંતનું આ પહાડી ગામ વ્યસ્ત ગામોમાંનું એક છે. પરંતુ શુક્રવારે સવારે મુંગાલો પર્વતનો એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કારણે ઘણાં ઘરો અને ઘરોની અંદર સૂઈ રહેલા લોકો દટાઈ ગયા હતા. સરકારી ડિઝાસ્ટર ઓફિસે કહ્યું છે કે આ ભૂસ્ખલનને કારણે ઈમારતો, ખાદ્ય બગીચાઓને ઘણું નુકસાન થયું છે અને દેશની આર્થિક સ્થિતિને પણ અસર થઈ છે.
હજુ પણ ગંભીર છે સ્થિતિઃ
અહેવાલ મુજબ, પરિસ્થિતિ હજુ પણ અસ્થિર છે કારણ કે ભૂસ્ખલન ધીમે ધીમે વધી રહ્યું છે, જે બચાવ કાર્યકરો તેમજ બચી ગયેલા લોકો માટે જોખમ ઊભું કરી રહ્યું છે. પાપુઆ ન્યૂ ગિનીએ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય સહયોગી દેશોને પાપુઆ ન્યૂ ગિનીની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કરવા હાકલ કરી છે. યુએન માઈગ્રેશન એજન્સીના અધિકારી સેરહાન અક્ટોપ્રાકે રવિવારે જણાવ્યું હતું કે અંદાજ છે કે આ ભૂસ્ખલનમાં 150 થી વધુ ઘરો દટાઈ ગયા છે અને 670 થી વધુ લોકોના મોત થયા છે.