બ્રિટનમાં કોરોના વિસ્ફોટ, ઓમિક્રોનથી સાતના મોત, એક દિવસમાં 90,418 કેસ નોંધાયા
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુ કે, ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. અમે તમામ પગલાં ભર્યા જે જરૂરી છે.
વોશિંગટનઃ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને પોતાનું રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ વાયરસ અત્યાર સુધી 89 દેશોમાં પહોંચી ચુક્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે બ્રિટનમાં ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે, જ્યારે એક દિવસમાં આ વેરિએન્ટના 10,059 કેસ સામે આવ્યા છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોનના સંક્રમિતોનો આંકડો વધીને 24,968 થઈ ગયો છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 90,418 કેસ સામે આવ્યા છે, જ્યારે મહામારીથી 125 લોકોના મૃત્યુ થયા છે.
ડરાવી રહ્યાં છે આંકડા
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કહ્યુ કે, ઓમિક્રોનથી મૃત્યુ પામનારની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. અમે તમામ પગલાં ભર્યા જે જરૂરી છે. અમે આંકડા પર નજર રાખી રહ્યાં છીએ અને પોતાના વૈજ્ઞાનિકો અને સલાહકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ. અમે મહામારી પર સાવધાનીથી નજર રાખીશું. અમે છેલ્લા કેટલાક દિવસમાં ઓમિક્રોન સંક્રમણમાં એક મોટો ઉછાળો જોયો છે. ઓમિક્રોનનો સામનો કરવા માટે રસીકરણ વધારવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ માતાએ ભૂલથી કચરામાં ફેંકી દીધુ લેપટોપ, એક ઝટકામાં પુત્રના 3000 કરોડ તબાહ
રશિયામાં એક દિવસમાં 1023 મોત
તો રશિયામાં કોરોનાનો કહેર જારી છે. સમાચાર એજન્સી રોયટરના રિપોર્ટ પ્રમાણે રશિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 1023 લોકોના મોત થયા છે, જ્યારે 27967 કેસ સામે આવ્યા છે. રશિયામાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 10,214,790 થઈ ગઈ છે, જ્યારે મહામારીમાં અત્યાર સુધી 297,203 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
જર્મનીએ લગાવ્યા પ્રતિબંધો
કોરોનાના નવા વેરિએન્ટના વધતા ખતરાને જોતા જર્મનીએ બ્રિટનથી આવતા લોકોને ક્વોરેન્ટીન કરવાના નિર્દેશ આપ્યા છે. એટલું જ નહીં દેશમાં માત્ર તે લોકોને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે જેનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ ડેલ્ટા સ્ટ્રેનની તુલનામાં ઝડપથી ફેલાય રહ્યો છે. તેના કેસની સંખ્યા 1.5થી 3 દિવસમાં ડબલ થઈ રહી છે. મહત્વનું છે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ઓમિક્રોન વેરિએન્ટને વેરિએન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube