ઈસ્લામાબાદઃ  પાકિસ્તાનની ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ ઘટસ્ફોટ કર્યો છે કે તાજેતરમાં જ એક મોટો સુરક્ષા ઘેરો તોડવાની ઘટનામાં દેશની મોટાભાગની બેન્કોનો ડેટા ચોરી લેવાયો હતો. પાકિસ્તાનની સમાચાર ચેનલ જીઓ ન્યૂઝ અનુસાર, એફઆઈએની સાઈબર ક્રાઈમ શાખાના ડિરેક્ટર કેપ્ટન મોહમ્મદ શોએબે સ્વીકાર્યું છે કે, તાજેતરમાં થયેલા સાયબર હુમલામાં મોટાભાગની બેન્કોનો ડેટા ચોરી લેવાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે, આવા જ એક અન્ય હુમલામાં પાકિસ્તાની નાગરિકોનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગતો એક ડાર્ક વેબ ઉપર રિલીઝ કરી દેવાઈ હતી. આ કારણે કેટલીક બેન્કોએ ડેબીટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા થતા મોટાભાગના ઈન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન બ્લોક કરી દીધા હતા. 


એફઆઈએએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં બેન્ક એકાઉન્ટનો ડાટા ચોરી કરવાની 100થી વધુ ઘટનાઓ નોંધાઈ છે, જેની ઉચ્ચ કક્ષાએ તપાસ ચાલી રહી છે. ફરિયાદ બાદ કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ સાયબર હુમલાના સંદર્ભમાં એફાઈએ દ્વારા કેટલાક બેન્ક અધિકારીઓને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે. 


બેન્કોની સુરક્ષામાં છેદ પાડતી આ ગેન્ગના મોટાભાગના સબ્યોને એફઆઈએ દ્વારા ગયા અઠવાડિયે પકડી પાડવામાં આવ્યા છે. તેઓ પાકિસ્તાની લશ્કરી અધિકારીઓનો વેશ ધારણ કરીને એકાઉન્ટ ધારકોના ચોરેલા ડેટાની મદદથી બેન્કોમાંથી નાણા ઉપડતા હતા. 


કેપ્ટન શોએબે જીઓ ન્યૂઝને જણાવ્યું કે, એકાઉન્ટ ધારકની માહિતીની સુરક્ષા કરવી એ બેન્કોની જવાબદારીમાં આવે છે. તાજેતરની ઘટનાઓને જોતાં એવું લાગે છે કે પાકિસ્તાની બેન્કોની સિક્યોરિટી સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે. 


પાકિસ્તાનની કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તમામ બેન્કોનાં ટોચનાં અધિકારીઓ સાથે એક બેઠક કરવામાં આવી હતી. ડોન ન્યૂઝે આ અંગે એક અહેવાલમાં જણાવ્યું છે કે, સુરક્ષામાં મોટી ચૂકને પગલે પાકિસ્તાનની મોટી બેન્કો દ્વારા મોબાઈલ બેન્કિંગ બંધ કરી દેવાયું છે.