મોસ્કોઃ Yevgeny Prigozhin News: તાજેતરમાં મોસ્કોમાં થયેલી પ્લેન દુર્ઘટનાની ચર્ચા ચારે તરફ ચાલી રહી છે. આ ઘટના સાથે જોડાયેલી એક મોટી માહિતી સામે આવી છે. રશિયન વિમાન એજન્સીએ પ્લેન દુર્ઘટનામાં વેગનર ચીફ પ્રિગોઝિનના મોતની પુષ્ટિ કરી છે. એજન્સીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 10 લોકોના નામનું લિસ્ટ જાહેર કર્યું છે, જેમાં પ્રિગોઝિનના રાઇટ હેન્ડ કહેવાતા દિમિત્રી ઉત્કિનનું નામ પણ સામેલ છે. નોંધનીય છે કે દિમિત્રી ઉત્કિન તે લોકોમાંથી એક છે જેણે વેગનર સમૂહનો પાયો નાંખ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તપાસ ટીમે કર્યો ખુલાસો
આ દુર્ઘટનાની તપાસ કરનાર રશિયન અધિકારીઓએ રવિવારે કહ્યું કે જેનેટિક ટેસ્ટથી આ વાતની પુષ્ટિ થઈ છે કે પાછલા બુધવારે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 10 લોકોમાં ખાનગી આર્મી વેગનર ગ્રુપના ચીફ યેવગેની પ્રિગોઝિન પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આ ભયાનક પ્લેન દુર્ઘટના મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં ટવર વિસ્તારમાં થયો હતો. ફોરેન્સિક તપાસ બાદ દુર્ઘટનાસ્થળેથી તમામ 10 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. દુર્ઘટનાના દિવસે શિકાર બનેલ ખાનગી જેટ યેવેગની પ્રિગોઝિન અને તેને સહયોગીઓને લઈને જતું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા સામે વિદ્રોહ થયાના બે મહિના બાદ આ ઘટના બની હતી. 


આ પણ વાંચોઃ કીવની પાસે હવામાં ટકરાયા બે લડાકૂ વિમાન, યૂક્રેનના ત્રણ સૈન્ય પાયલોટોના મોત


આ દુર્ઘટના બાદ વેગનર ગ્રુપના સૈનિકો રશિયાના રાષ્ટ્રપતિ પુતિનથી નારાજ ચાલી રહ્યાં છે અને રશિયન સરકારને સીધો પડકાર ફેંકી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન સાથે થઈ રહેલા યુદ્ધને કારણે વેગનર ગ્રુપે રશિયાની સત્તા વિરુદ્ધ બળવો કર્યો હતો, ત્યારબાદ મોસ્કોને સુરક્ષાની દ્રષ્ટિએ છાવણીમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ ભયાનક યુદ્ધને કારણે પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે.