વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે જે બેઠકની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે તેની તારીખ અને જગ્યાની ટ્રમ્પે ટ્વિટ કરીને જાહેરાત કરી નાખી છે. ગુરુવારે સાંજે કરેલી ટ્વિટમાં ટ્રમ્પે લખ્યું છે કે તેઓ 12 જૂનના રોજ સિંગાપુરમાં કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. આ સાથે જ ટ્વિટમાં જણાવ્યું છે કે તેઓ બંને મળીને આ મુલાકાતને વિશ્વશાંતિ માટે એક ખાસ તક બનાવવાની પૂરેપૂરી કોશિશ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ ટ્રમ્પે સૂચન આપતા ટ્વિટ કરી હતી કે નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે તેમની શિખરવાર્તા સરહદ પર તે પીસ હાઉસમાં થઈ શકે છે જે બંને કોરિયાઈ દેશોને અલગ કરે છે. જો કે તે ઉપર વાત બની નહીં. અમેરિકી રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના નેતા વચ્ચે આ પહેલી શિખરવાર્તા હશે.



થોડા દિવસ પહેલા જ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમે દક્ષિણ કોરિયાની ધરતી પર પગ મૂક્યો હતો. આ સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી કોરિયાઈ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવમાં ઘણો ઘટાડો જોવા મળ્યો. આ એક ઐતિહાસિક ઘટના હતી કારણ કે તેના થોડા દિવસ પહેલા સુધી નોર્થ કોરિયાના નેતા સાઉથ કોરિયાને જ નહીં પરંતુ અમેરિકા ઉપર પણ હુમલા કરવાની ધમકી આપી રહ્યાં હતાં.


શાંતિની દિશામાં કિમના આગળ વધવાનું આ પરિણામ છે કે દક્ષિણ કોરિયાએ એક દિવસ અગાઉ જ 3 અમેરિકી કેદીઓને છોડી મૂક્યાં. તમામ કેદીઓ અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે ઘરે પાછા ફર્યાં. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતે પ્રસન્નતા જાહેર કરતા ટ્વિટ કરીને કહ્યું હતું કે હું તમને સૂચિત કરીને ખુશી મહેસૂસ કરી રહ્યો છુ કે અમેરિકી મંત્રી ત્રણ શાનદાર પુરુષો સાથે ઉત્તર કોરિયાથી પાછા આવી રહ્યાં છે. આ સાથે તે 3 લોકોના સ્વાસ્થ્ય પણ સારા છે.