PM મોદીને મળતાની સાથે જ મસ્કે કરી મોટી જાહેરાત, કારપ્રેમીઓ થઈ જશે ખુશખુશાલ
Elon Musk Meets PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે તેમણે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથે મુલાકાત કરી. આ દરમિયાન દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અંગે પણ વાતચીત થઈ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. મંગળવારે તેમણે ટેસ્લાના સીઈઓ એલન મસ્ક સાથે મુલાકાત કરી. આ દરમિયાન દુનિયાની સૌથી મોટી ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી અંગે પણ વાતચીત થઈ. મુલાકાત બાદ ટેસ્લા સીઈઓ એલોન મસ્કે ભારતીય બજારમાં ટેસ્લાની એન્ટ્રી અંગે મોટો દાવો કર્યો. ન્યૂયોર્કના પેલેસ હોટલમાં એલન મસ્કે કહ્યું કે કંપની નજીકના ભવિષ્યમાં ભારતમાં રોકાણ કરશે. જે દેશ માટે એક મહત્વપૂર્ણ વિકાસ હશે.
ભારતમાં રોકાણ
એલોન મસ્કે પીએમ મોદી સાથે મુલાકાત બાદ ભારતમાં રોકાણ કરવાની યોજનાની પુષ્ટિ કરતા કહ્યું કે તેઓ પોતે આગામી વર્ષે ભારત પ્રવાસની યોજના ઘડી રહ્યા છે અને વિશ્વાસ છે કે ટેસ્લા ભારતમાં હશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીનો તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું અને આશા છે કે અમે નજીકના ભવિષ્યમાં કઈક એલાન કરવા માટે સક્ષમ હોઈશું. આ ભારતની સાથે અમારા સંબંધોમાં એક મહત્વપૂર્ણ રોકાણ હશે.
પીએમ મોદીના કર્યા વખાણ
એક અન્ય નિવેદનમાં એલન મસ્કે ભારતના પ્રધાનમંત્રી મોદીના ખુબ વખાણ કર્યા. તેમણે કહ્યું કે તેઓ વાસ્તવમાં ભારતની પરવા કરે છે, હુ મોદીનો ફેન છું. ટેસ્લા સીઈઓની સાથે પોતાની મુલાકાત બદલ પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે આજે તમારી સાથે મુલાકાત શાનદાર રહી. જેના પર એલન મસ્કે પીએમ મોદી સાથે વાતચીત બાદ કહ્યું કે તમને ફરીથી મળવું એ ખુબ જ સન્માનની વાત છે.