કેનેડા: રસીકરણના વિરોધમાં ટ્રક ડ્રાઈવરોનો જબરદસ્ત હંગામો, આ શહેરમાં લાગી કટોકટી
કોરોના મહામારી વચ્ચે ભારત સહિત અનેક દેશોની સરકાર રસીકરણને લઈને જનતાને જાગૃત કરી રહી છે. આ સાથે રસી લેવા માટે અપીલ કરી રહી છે.
ઓટાવા: કોરોના મહામારી વચ્ચે ભારત સહિત અનેક દેશોની સરકાર રસીકરણને લઈને જનતાને જાગૃત કરી રહી છે. આ સાથે રસી લેવા માટે અપીલ કરી રહી છે. પણ કેનેડાની સરકારે રસીકરણને જરૂરી કરતા ત્યાં ટ્રક ડ્રાઈવરો છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને જોતા કેનેડાની રાજધાની ઓટાવાના મેયરે ઈમરજન્સીની જાહેરાત કરી છે.
મેયરે કહ્યું કે જોખમી સ્થિતિ બની ગઈ
મેયર જિમ વોટસનના જણાવ્યા મુજબ શહેર સંપૂર્ણ રીતે નિયંત્રણ બહાર થઈ ગયું હતું. પ્રદર્શનકારીઓની સંખ્યા પોલીસ કરતા પણ વધુ છે. તેમણે કહ્યું કે આ વિરોધે શહેરના રહીશોની સુરક્ષા માટે જોખમ પેદા કર્યું છે. ટ્રક ડ્રાઈવરોએ ઓટાવાના ડાઉનટાઉન વસ્તારમાં ચિંતાજનક સ્થિતિ પેદા કરી છે. કારો અને ટેન્ટોએ રાજમાર્ગોને બાધિત કર્યા છે. અત્રે જણાવવાનું કે આ ફ્રીડમ કોન્વોય નામના પ્રદર્શનની શરૂઆત સરકારના એ નિર્ણય વિરુદ્ધ શરૂ થઈ કે તમામ ટ્રક ડ્રાઈવરોએ કોવિડ રસી લેવી જરૂરી છે. મેયરનું કહેવું છે કે આવી સ્થિતિમાં કોર્ટ અને સરકારના સમર્થનની જરૂર છે.
29 જાન્યુઆરીથી શરૂ થયું પ્રદર્શન
અત્રે જણાવવાનું કે સરકાર દ્વારા રસીકરણને ફરજિયાત કરવાના વિરોધમાં પ્રદર્શનકારીઓ 29 જાન્યુઆરીના રોજ રાજધાની પહોંચ્યા હતા. તેમણે શહેરના રસ્તાની વચ્ચેવચ પોતાના ટ્રક ઊભા કરી દીધા અને ટેન્ટ તથા અસ્થાયી શેલ્ટર બનાવી લીધા. ત્યારબાદ શહેરના અધિકારીઓમાં ગભરાહટ અને રહીશોમાં નિરાશા ઉત્પન્ન થઈ જેનાથી રાજધાનીમાં અરાજકતાની સ્થિતિ પેદા થઈ ગઈ.
હવે ચંદ્રમા પર મળશે ફ્યૂલ, ઈન્ટરનેટનો થઈ શકશે ઉપયોગ...આવી છે તૈયારીઓ
મેયરે ટ્રક ડ્રાઈવરોને ગણાવ્યા અસંવેદનશીલ
મેયર વોટસને ટ્રક ડ્રાઈવરોને અસંવેદનશીલ ગણાવ્યા તેમનું કહેવું છે કે ટ્રક ડ્રાઈવરો સતત હોર્ન અને સાયરન વગાડી રહ્યા છે. આ સાથે જ ફટાકડા ફોડી પાર્ટી કરતા જોવા મળે છે. અત્રે જણાવવાનું કે યુએસ-કેનેડા સરહદ પાર કરતી વખતે રસીની જરૂરિયાથી નારાજ ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ તરીકે પ્રદર્શન શરૂ થયા. પરંતુ કોવિડ-19 સ્વાસ્થ્ય પ્રતિબંધો અને પીએમ જસ્ટિન ટ્રુડોની સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શનોમાં ફેરવાઈ ગયા.
પોલીસે પ્રદર્શનકારીઓની મદદ ન કરવાની અપીલ કરી
સ્થાનિક લોકોએ સતત હોર્ન વગાડવા અને પ્રદર્શનકારીઓ દ્વારા પરેશાની અંગે પોલીસ ફરિયાદ કરી છે. જો કે ટ્રક ડ્રાઈવરો અને તેમના સમર્થકોએ કહ્યું કે વિરોધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કોવિડ પ્રતિબંધ હટાવી ન લેવાય. પોલીસે પ્રદર્શનકારીઓને ધરણા પર બેઠેલા લોકોને મદદ ન કરવાની અપીલ કરી છે. જેને લઈને સ્થાનિક પોલીસે ટ્વીટ કરતા કહ્યું કે પ્રદર્શનકારીઓને કોઈ પણ પ્રકારનું સમર્થન કે સામગ્રી ઉપલબ્ધ કરાવનારાઓની ધરપકડ થઈ શકે છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube