Facebook વાપરનારા લોકો થઈ જાઓ સાવધાન, તમારી દરેક એક્ટિવિટી પર છે તેની બાજ નજર
આયરલેન્ડની ટ્રિનિટી કોલેજ (Trinity College) ના સ્ટડીમાં આ વાત સામે આવી છે.
નવી દિલ્હી: નામ બદલ્યા બાદ પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે પોતાની હરકતો બદલી નથી અને હજુ પણ તે યૂઝર્સની જાસૂસી કરી રહ્યું છે. લાંબા સમયથી અનેક વિવાદોના સાયામાં ઘેરાયેલા ફેસબુકે હાલમાં જ પોતાનું વ્યવસાયિક નામ બદલીને મેટા(META) કરવાની જાહેરાત કરી હતી. જો કે ફેસબુકે નામ તો બદલી નાખ્યું પરંતુ લોકોના મોબાઈલ ફોનથી ડેટા ચોરી કરવાનું કામ બંધ કર્યું નથી. એટલું જ નહીં ફેસબુકની પ્રાઈવસી ભંગની હરકતોના કારણે યુવાઓ પણ હવે ફેસબુકથી અંતર જાળવવા લાગ્યા છે.
તમારો ડેટા ચોરી કરી રહ્યું છે ફેસબુક
એક સ્ટડી મુજબ ફેસબુક તમારા ફોનની સ્ક્રિન એક્ટિવિટી, વેબ એક્ટિવિટી, કોલ ડ્યૂરેશન અને હાર્ડવેરના સિરીયલ નંબર પર નજર રાખી રહ્યું છે. આ સાથે જ ફેસબુક આ ડેટાને સ્ટોર પણ કરી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે ફેસબુક આ ડેટાને એક્સેસ કરવા માટે તમારી પાસે પરમિશન પણ માંગતુ નથી.
ફેસબુક ઈન્સ્ટોલ કર્યું છે તો સાવધાન થઈ જાઓ
આયરલેન્ડની ટ્રિનિટી કોલેજ (Trinity College) ના એક સ્ટડી મુજબ જો તમે તમારા ફોનમાં ફેસબુક એપ ઈન્સ્ટોલ કરી છે તો ફેસબુક તમારા મોબાઈલ ફોનમાં તમારા દ્વારા થઈ રહેલી સ્ક્રિન એક્ટિવિટી અને વેબ એક્ટિવિટી પર નજર રાખી રહ્યું છે. એટલે કે ફેસબુકને ખબર છે કે તમે શું સર્ચ કરી રહ્યા છો. આ ઉપરાંત તમારા ફોન કોલની ડ્યૂરેશન પણ જાણી રહ્યું છે. એટલે કે તમે કોની સાથે કેટલી વાર સુધી વાત કરો છો. આ ઉપરાંત તમારા ફોનના હાર્ડવેર પાર્ટનો સિરિયલ નંબર સુદ્ધા પોતાના સર્વર પર રાખે છે.
PM મોદીના મિત્ર નફ્તાલી બેનેટે ભારત વિશે કરી એકદમ હ્રદયસ્પર્શી વાત, સાંભળીને ગર્વ અનુભવશો
કેટલીક મોબાઈલ ફોન કંપનીઓ પણ કરી રહી છે ફેસબુકની મદદ
ફેસબુક આ માટે તમારી મંજૂરી પણ માંગતુ નથી. વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ આમ કરવામાં કેટલીક મોબાઈલ કંપનીઓ પણ ફેસબુકની મદદ કરે છે. હકીકતમાં કેટલાક એન્ડ્રોઈડ ફોનમાં ફેસબુક પહેલેથી ઈન્સ્ટોલ હોય છે. જેને તમે અનઈન્સ્ટોલ કરી શકો નહીં. ફક્ત ડિસેબલ કરી શકો છો. આ ફોનમાં ફેસબુક તમારી તમામ હરકતો પર નજર રાખે છે અને તમને ખબર સુદ્ધા પડતી નથી. ટ્રિનિટી કોલેજના સ્ટડીમાં પણ એ જણાવાયું છે કે પ્રાઈવસીના ભંગની આ રીતમાં ફેસબુક ઉપરાંત ગૂગલ, અને માઈક્રોસોફ્ટ પણ સામેલ છે.
ફેસબુકથી અંતર જાળવે છે યુવા
કદાચ આ જ કારણ છે કે અનેક યુવાઓ ફેસબુકથી અંતર જાળવી રહ્યા છે. અમેરિકી મીડિયા The Verge નો દાવો છે કે વર્ષ 2019થી 2021 સુધીમાં ફેસબુકનો ઉપયોગ કરનારા અમેરિકી યુવાઓની સંખ્યામાં 19 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2023 સુધીમાં આ ઘટાડો 45 ટકા સુધી જવાના એંધાણ છે. એ જ રીતે ફેસબુકનો ઉપયોગ કરનારા 20 વર્ષથી 30 વર્ષના યુવાઓની સંખ્યામાં પણ 4 ટકાનો ઘટાડો થયો છે. એટલે કે ફેસબુકે પોતાની હરકતોના કારણે નુકસાન વેઠવું પડી રહ્યું છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા પહેલા સાવધાન
છેલ્લા કેટલાક સમયથી પોતાના ફાયદા માટે પ્રાઈવસી અને હિંસાને રોકવાની જગ્યાએ મંચ આપવા બદલ ફેસબુકનો સતત વિરોધ થઈ રહ્યો છે અને તેની છબી પણ ખરડાઈ છે. પોતાની આ છબીને ઠીક કરવા માટે ફેસબુકે સૌથી સરળ રસ્તો શોધ્યો અને નામ બદલી નાખ્યું. જો કે ફેસબુક નામ બદલવાની જગ્યાએ પોતાની હરકતો બદલી નાખત તો કદાચ તેના પર ઉઠેલા સવાલો પણ બંધ થઈ જાત અને નામ બદલવાની નૌબત પણ ન આવત. ફેસબુક પર ડેટાચોરીના અનેક આરોપ લાગ્યા હતા. આમ છતાં ફેસબુક લોકોના ડેટા સાથે રમત કરી રહ્યું છે. આથી ફેસબુક કે અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા પહેલા સાવધાન રહેવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube