બ્રાઝિલિયાઃ 'ધરતીના ફેફસાં' કહેવાતા અમેઝનના જંગલમાં છેલ્લા કેટલાય દિવસથી વિકરાળ આગ લાગેલી છે, જેને કાબુમાં લેવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, પરંતુ હજુ સુધી આ આગ પર કાબુ મેળવી શકાયો નથી. બુધવારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેર બોલસોનારોએ જણાવ્યું કે, અમેઝનના વર્ષાવનો અંગે એક સર્વસામાન્ય નીતિ બનાવવા માટે દક્ષિણ અમેરિકાના દેશો એક્ઠા કરશે. અમે ફ્રાન્સની 20 મિલિયન ડોલરની ઓફરને સ્વીકારવાનો નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ તેમણે ચીલી દ્વારા કરવામાં આવેલી ચાર ફાયર વિમાનની ઓફર પણ સ્વીકારી લીધી છે. આ અંગે માહિતી આપતા ચીલીના રાષ્ટ્રપતિ સેબાસ્ટિયન પિનેરાએ બ્રાઝિલિયામાં જણાવ્યું કે, વેનેઝુએલા સિવાયના પડોશી દેશો સાથે બોલસોનારો 6 સપ્ટેમ્બરના રોજ કોલંબિયાના લેટિસિયા શહેરમાં એક બેઠક કરશે અને તેમાં અમેઝોનના જંગલોની સુરક્ષા અંગે એક સમાન નીતિ ઘડવા અંગે ચર્ચા કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જળવાયુ પરિવર્તન અંગે બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારો પર ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેકરો દ્વારા જુઠું બોલવાનો આરોપ લગાવાયા પછી બ્રાઝીલે જી-7 દેશો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે કરવામાં આવેલી 20 મિલિયન ડોલરની મદદને ફગાવી દીધી હતી. 


યુરોપિય અંતરિક્ષ એજન્સીના અંતરિક્ષ યાત્રી લુકા પર્મિટાનોએ સોમવારે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી અમેઝનના જંગલના ધૂમાડાની એક તસવીર ટ્વીટ કરી હતી. પરમિટાનોએ જણાવ્યું કે, ધૂમાડો એટલો વ્યાપક છે કે કેટલીક તસવીરોમાં તે વાદળો જોવો દેખાય છે. 


જળવાયુ પરિવર્તનઃ અમેઝન પછી હવે આફ્રિકાના જંગલોમાં લાગી છે વિકરાળ આગ


અમેઝનના જંગલોમાં આગ કેવી રીતે લાગી?
અમેઝનના જંગલ સામાન્ય રીતે ભીનું અને ભેજવાળું હોય છે, પરંતુ જુલાઈથી ઓક્ટોબર દરમિયાન અહીં ઉનાળાની ઋતુમાં આગ લાગવાની ઘટનાઓ થતી રહે છે. અમેઝન વોચ નામની એનજીઓના પ્રોગ્રામ ડાયરેક્ટર ક્રિશ્ચન પોયરિયરે જણાવ્યું હતું કે, ખેતી અને પશુપાલન માટે જમીનને સ્વચ્છ કરવા માટે હંમેશાં આગ લગાડવામાં આવે છે. તેના કારણે કેટલીક વખત આગ જંગલો સુધી ફેલાઈ જતી હોય છે. 


આગથી પ્રભાવિત વિસ્તારો
અમેઝનના જંગલોમાં લાગેલી આગથી અનેક વિસ્તારો પ્રભાવિત થયેલા છે. બ્રાઝીલના અનેક રાજ્યોમાં આગના કારણે નિકળી રહેલા ધૂમાડાની અસર જોવા મળી રહી છે. NASA દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઈટ તસવીરોથી જાણવા મળે છે કે, અમેઝોનાઝ, રોન્ડોનિયા, પારા અને મોટો ગ્રોસો રાજ્ય આ ધૂમાડાથી પ્રભાવિત છે. 


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....