PM મોદી આજથી 5 દિવસની વિદેશ યાત્રાએ, ઈટાલીના G-20 શિખર સંમેલન બાદ બ્રિટનના કોપ-26 માં થશે સામેલ
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 5 દિવસ સુધી વિદેશ યાત્રાએ છે. પ્રધાનમંત્રી જી-20 સમિટમાં ભાગ લેવા ઈટાલી પહોંચ્યા છે. પીએમ મોદી 29થી 31 ઓક્ટોબર સુધી રોમમાં રહેશે. આ દરમિયાન તેઓ ઈટાલીમાં આયોજિત G-20ની બેઠકમાં ભાગ લેશે. ઈટાલીના PMના આમંત્રણ બાદ તેઓ રોમ જઈ રહ્યા છે. 1 નવેમ્બરે PM બ્રિટનના ગ્લાસ્ગો શહેરમાં કોપ-26ની બેઠકમાં ભારતનો પક્ષ રાખશે. G-20ની આ બેઠક વાસ્તવમાં ગયા વર્ષે, એટલે કે 2020માં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે એને સ્થગિત કરવી પડી હતી. હવે એ ઇટાલીના રોમમાં થશે. વડાપ્રધાન 31 ઓક્ટોબરની બપોર સુધી રોમમાં રહેશે. એ પછી ગ્લાસ્ગો જવા રવાના થશે. G-20ને 'વર્લ્ડ ઇકોનોમિક એન્જિન' પણ કહેવામાં આવે છે. આ ગ્રુપની આ આઠમી બેઠક હશે.
આ વર્ષની થીમ છે- પીપલ, પ્લેનેટ,પ્રોસ્પેરિટી. આ મુખ્ય મુદ્દા પર વિચાર કરવામાં આવશે. મહામારીમાંથી રિકવરી અને જળવાયુ પરિવર્તન મુખ્ય મુદ્દો રહેશે. માનવામાં આવી રહ્યું છે કે મોદી ઈટાલીના વડાપ્રધાન મારિયો દ્રાઘીને પણ મળી શકે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈટાલીની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને પણ મળી શકે છે. જોકે આ મીટિંગ તેમના શિડ્યૂલનો ભાગ નથી અને ન તો વિદેશ મંત્રાલયે આ અંગે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી છે. રોમની મધ્યમાં આવેલી અને અલગ દેશનો દરજ્જો ધરાવતી આ બેઠક માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વેટિકન સિટી જઈ શકે છે.
ગ્લોબલ વોર્મિંગના મુદ્દે પણ થશે ચર્ચાઃ
બે દેશની યાત્રાએ જતાં પહેલાં PM મોદીએ કહ્યું હતું કે રોમમાં આયોજિત 16મી G-20 સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યો છું. આ દરમિયાન G-20ના નેતાઓ સાથે કોરોના મહામારી, વિકાસ અને જળવાયુ પરિવર્તનથી વૈશ્વિક આર્થિક અને સ્વાસ્થ્ય સુધારા અંગે ચર્ચા થશે. 29થી 31 ઓક્ટોબર વચ્ચે દરમિયાન રોમ અને વેટિકન સિટીની મુલાકાત પણ લઈશ. એ બાદ હું વડાપ્રધાન બોરિસ જોનસનના નિમંત્રણને માન આપીને 1 અને 2 નવેમ્બર સુધી ગ્લાસ્ગોની યાત્રા કરીશ.
PM મોદી 30 ઓક્ટોબરે કેથેલિક ચર્ચના પ્રમુખ પોપ ફ્રાન્સિસ સાથે વેટિકન સિટીમાં મુલાકાત કરશે. આ દરમિયાન PM મોદી ઈટાલીના રાષ્ટ્રપતિ સાથે પણ દ્વિપક્ષીય મુદ્દાઓ પર મુલાકાત કરશે. આ મુલાકાત ઘણી જ મહત્ત્વની માનવામાં આવે છે. વિદેશસચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ જાણકારી આપતાં કહ્યું હતું કે વડાપ્રધાન 29થી 30 ઓક્ટોબર સુધી રોમ, ઈટાલીમાં રહેશે. PM મોદી વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરશે. હજુ એ નક્કી નથી કે આ મુલાકાતમાં PM મોદી જ હશે કે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક થશે. સામાન્ય રીતે આવી બેઠકોમાં કેટલાક પ્રતિનિધિમંડળના સભ્યો હોય છે.
વિદેશસચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ ગુરુવારે જણાવ્યું હતું કે આઠમી વખત G-20 બેઠક છે, જેમાં PM મોદી ઉપસ્થિત રહેશે. ગત વર્ષે સંગઠનની શિખર બેઠક કોરોનાને કારણે વર્ચ્યુઅલ થઈ હતી, જેના યજમાની સાઉદી આરબ કરી હતી. આ પહેલાં જૂન 2019માં જાપાનના ઓસાકામાં થયેલી G-20 બેઠકમાં PM મોદીએ વ્યક્તિગત રીતે ભાગ લીધો હતો. ઈટાલીના યજમાનપદે યોજાનારી આ વર્ષની બેઠકનો વિષય 'જનતા, પૃથ્વી અને સમૃદ્ધિ (પીપલ, પ્લાનેટ, પ્રોસ્પેરિટી) છે.' આ વિષય UNના ટકાઉ વિકાસના એજન્ડા 2030 પર આધારિત છે.
ઈટાલીમાં મળનારી બેઠકનું ફોકસ કોરોના મહામારીથી અર્થવ્યવસ્થાઓને ફરી વેગવંતી બનાવવી, વૈશ્વિક સ્વાસ્થ્ય સુશાસન, જળવાયુ પરિવર્તન, ટકાઉ વિકાસ અને ખાદ્ય સુરક્ષા રહેશે. શ્રુંગલાએ વધુમાં કહ્યું હતું કે G-20 શિખર વાર્તા વિચારવિમર્શ માટે એક મહત્ત્વપૂર્ણ મંચ છે, જેમાં નવા નીતિગત મુદ્દાઓ, જેનો નાગરિકોના જીવન પર અસર થાય છે એ અંગે વિચાર કરાય છે. આ મુદ્દે વૈશ્વિક નાણાકીય સ્થિરતા, ટકાઉ નાણાકીય વાત, સ્વાસ્થ્ય, ખાદ્ય સુરક્ષા છે. વડાપ્રધાન મોદી રોમની બેઠકમાં વૈશ્વિક પડકારો વચ્ચે ભારતનું વલણ શું રહેશે એ મુદ્દે ચર્ચા કરશે. તેઓ અફઘાનિસ્તાનની સ્થિતિ પર સમગ્રરૂપે વૈશ્વિક દૃષ્ટિકોણની સાથે જળવાયુ પરિવર્તન અને કોરોના મહામારી વિરુદ્ધ એકજૂથતાની પણ વાત કરી શકે છે.
વિદેશસચિવે કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનને માનવીય મદદ ઉપલબ્ધ કરાવવાના પક્ષમાં છીએ. જો હાલની સ્થિતિ યથાવત્ રહી તો અમે એના માટે તૈયાર છીએ. તેમને પૂછવામાં આવ્યું કે શું ભારત અફઘાનિસ્તાનને ખાદ્યાન્ન મોકલશે? જેના જવાબમાં વિદેશસચિવે જણાવ્યું હતું કે G-20 દેશોની વચ્ચે મહામારીમાંથી બહાર આવીને ફરી ઊભા થવાની વાત અંગે સર્વસંમતિ છે, જેમાં મુખ્ય ફોકસ રોજગારી અને કૌશલ વિકાસ છે. વિદેશસચિવે કહ્યું હતું કે એકબીજાની વેક્સિન તેમજ વેક્સિન દસ્તાવેજને માન્યતા આપીને ઈન્ટરનેશનલ ટ્રાવેલ ફરી શરૂ કરવાનો અમારો પ્રસ્તાવ છે. G-20માં સામેલ તમામ વિકાસશીલ દેશોનો આ વાતને લઈને મજબૂત સમર્થન છે.
કોપ-26માં 1લી નવેમ્બરે ભાગ લેશે:
PM મોદી 1લી નવેમ્બરે બ્રિટનના ગ્લાસ્ગોમાં જળવાયુ પરિવર્તન પર આયોજિત 26મા સંમેલન કોપ-26માં ભાગ લેશે. વિદેશસચિવે કહ્યું હતું કે કોપ-26માં ભારત પેરિસ સમજૂતીની ગાઇડલાઈન્સને અમલમાં લાવવા, જળવાયુ માટે નાણાં એકઠાં કરવા, જળવાયુ સંરક્ષણ કરવા માટે પ્રોદ્યોગિકીકરણ અપનાવવા અને વૈશ્વિક તાપમાનમાં ઘટાડો લાવવાની વાત પર જોર આપશે.