વર્ષ 2020ની શરૂઆતથી જ દુનિયાભરમાં કોહરામ મચાવી દેનારા કોરોના વાયરસના ભયમાંથી હજુ દુનિયા બહાર આવી નથી ત્યાં એક નવી મહામારીનું જોખમ તોળાઈ રહ્યું છે. આ બધા વચ્ચે વિશેષજ્ઞો બર્ડ ફ્લૂ મહામારીની સંભાવના પર ખતરાની ઘંટી વગાડી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ મહામારી કોવિડ 19 સંકટથી પણ વધુ વિનાશકારી બની શકે છે. બર્ડ ફ્લૂનો H5N1 સ્ટ્રેન સૌથી વધુ ગંભીર જોખમ ઊભું કરી શકે છે. વાયરસ પર રિસર્ચ કરનારા વૈજ્ઞનિકોએ સંકેત આપ્યા છે કે H5N1 એક વૈશ્વિક મહામારીને ટ્રિગર કરી શકે છે. તે 'ખતરનાક રીતે ખુબ જ નજીક' પહોંચી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગાય, બિલાડી, મનુષ્યો સહિત વિવિધ સસ્તન જીવોમાં H5N1 સંક્રમણ મળી આવ્યું છે. જેના પગલે વૈજ્ઞાનિકોએ આ વાયરસ પર રિસર્ચ કરવાનું શરૂ કર્યું. આ વાયરસ મનુષ્યો વચ્ચે વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે. વાયરસના મ્યુટેશને ચિંતા પેદા  કરી છે. ડેઈલી મેઈલના એક રિપોર્ટમાં કહેવાયું છે કે આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે અમેરિકી રાજ્ય ટેક્સાસમાં એક ડેરી ફાર્મમાં કામ કરતો વ્યક્તિ H5N1 વાયરસથી પોઝિટિવ મળી આવ્યો. રિપોર્ટમાં કહેવાયું છે કે દર્દીનો ટેક્સાસમાં ડેરીના જાનવરો સાથે સીધો સંપર્ક હતો જેના કારણે તે બર્ડ ફ્લૂથી સંક્રમિત હોવાની શંકા હતી. હાલ તેનો એન્ટીવાયરલ ઉપચાર ચાલુ છે અને તે ઠીક થઈ રહ્યો છે. કોલોરાડોમાં 2022ના કેસ બાદ અમેરિકામાં ઈન્ફ્લૂએન્ઝા એ (H5N1) માટે કોઈ પણ વ્યક્તિના સકારાત્મક પરીક્ષણનો આ બીજો કેસ છે. 


અમેરિકામાં જાનવરોમાં ફેલાયો વાયરસ
આ ઉપરાંત છ અમેરિકી રાજ્યોમાં ગાયોના 12 ઝૂંડ અને ટેક્સાસમાં 3 બિલાડીઓમાં સંક્રમણની સૂચના મળી જે વાયરસના કારણે મરી ગઈ. અમેરિકાના તાજા ઈંડાની સૌથી મોટી ઉત્પાદક  કંપનીએ મરઘીઓમં બર્ડ ફ્લૂ મળી આવ્યા બાદ ટેક્સાસ પ્લાન્ટમાં અસ્થાયી રીતે ઉત્પાદન રોક્યું છે. અધિકારીઓનું એમ પણ કહેવું છે કે મિશિગનમાં મરઘી ઉછેર કેન્દ્રમાં પણ આ વાયરસ મળી આવ્યો છે. ટેક્સાસમાં રિજલેન્ડ મિસિસિપી સ્થિત કેલમેન ફૂડ્સ ઈંકે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે ટેક્સાસ સ્થિત પાર્મર કાઉન્ટીમાં લગભગ 16 લાખ ઈંડા આપનારી મરઘીઓ અને 337000 મરઘીના બચ્ચાને એવિયન ઈન્ફ્લૂએન્ઝાનું સંક્રમણ જાણ્યા બાદ નષ્ટ કરી દેવાયા. જો કે કંપનીએ કહ્યું કે હાલમાં બજારમાં જે ઈંડા છે તેને બર્ડ ફ્લૂથી કોઈ જોખમ નથી અને તેમને પાછા ખેંચાયા નથી. અમેરિકી કૃષિ વિભાગ મુજબ જે ઈંડાઓનું મેનેજમેન્ટ યોગ્ય રીતે કરાય છે અને યોગ્ય રીતે પકવવામાં આવે છે તે ખાવા માટે સુરક્ષિત હોય છે. 


'કોવિડથી 100 ગણી વધુ ખતરનાક'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ પ્રમુખ બર્ડ ફ્લૂ રિસર્ચર ડો. સુરેશ કુચીપુડીએ ચેતવણી આપી છે કે આપણે H5N1 ના કારણે થનારી સંભવીત મહામારીના ઉંબરા નજીક છીએ. તેમણે એ વાત પર ભાર મૂક્યો કે વાયરસે પહેલેથી જ પોતાની ક્ષમતા દેખાડી દીધી છે. તે પહેલેથી જ મનુષ્યો સહિત સસ્તન જીવોને સંક્રમિત કરી ચૂક્યો છે. રિપોર્ટ મુજબ ફાર્માસ્યૂટિકલ્સ ઈન્ડસ્ટ્રીના સલાહકાર જોન ફૂલ્ટને પણ વાયરસના જોખમ અંગે ચેતવ્યા છે. તેમણે  કહ્યું કે H5N1 ઉચ્ચ મૃત્યુ દરને જાળવી રાખતા મ્યૂટેટ થઈ શકે છે. તેનાથી તે કોવિડ 19થી પણ વધુ જોખમી મહામારી બની શકે છે. ફૂલ્ટને કહ્યું કે એવું લાગે છે કે તે કોવિડથી 100 ગણી વધુ ખતરનાક છે. 


H5N1 નો મૃત્યુ દર 52 ટકા?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ 2003થી કલેક્ટ કરેલા આંકડાના આધારે H5N1 થી થનારા મૃત્યુ દરનું ચોંકાવનારું અનુમાન કરાયુ છે. કહ્યું કે વાયરસથી થનારા મૃત્યુનો દર 52 ટકા હોઈ શકે છે. તેનાથી ઉલ્ટુ કોવિડ 19થી મૃત્યુ દર ઘણો ઓછો છે. 2020 બાદ હાલના કેસથી જાણવા મળે છે કે H5N1 ના નવા સ્ટ્રેનથી સંક્રમિત લગભગ 30 ટકા વ્યક્તિઓના મૃત્યુ થયા છે. જેમ જેમ સ્થિતિ સામે આવી રહી છે તેમ તેમ વ્હાઈટ હાઉસ, અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ સતર્કતા અને તૈયારી વધારવાનો આગ્રહ કરી રહ્યા છે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે જનતાને આશ્વાસન આપ્યું કે અમેરિકનોનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને બર્ડ ફ્લૂના પ્રકોપની નિગરાણી અને સમાધાન માટે ઉપાય થઈ રહ્યા છે. 


Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube