પાકિસ્તાની PM ઇમરાન ખાને બતાવી દીધો અસલી રંગ, ભારત વિરૂદ્ધ ઘડ્યું મોટું ષડયંત્ર
ચર્ચા છે કે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાના જ સમકક્ષ પાકિસ્તાની નેતા મહમદ કુરેશી સાથે આવતા મહિને અમેરિકામાં મુલાકાત કરી શકે છે
નવી દિલ્હી : પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના ચીફ અને પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાને સત્તાના સુત્રો સંભાળતી વખતે ભારત સાથે મિત્રતા અને સારા સંબંધોના મોટા-મોટા બણગાં ફુંક્યા હતા. હવે પાકિસ્તાને ભારત સરકાર વિરૂદ્ધ મોટો પ્લાન ઘડી નાખ્યો છે. હાલમાં પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે ભારતીય કાશ્મીરની હાલત પર ચિંતા વ્યક્ત કરીને ભારતના માનવ અધિકાર આયોગમાં એની ફરિયાદ કરી છે.
હકીકતમાં પાકિસ્તાનના કેન્દ્રિય માનવાધિકાર મંત્રી ડો. શિરીન મજારી દ્વારા આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વોચ સંસ્થાના પ્રમુખને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ડો. શિરીન મજારીએ ભારતીય કાશ્મીર અને ફલસ્તીની હાલત વિશે ચિંતા અને નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ ડો. શિરીને આ મામલામાં આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થાને પગલું ભરવા માટે જણાવ્યું છે.
હાલમાં સમાચાર આવ્યા હતા કે ડો. શિરીન મજારીએ પાકિસ્તાની મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું છે કે તેમની સરકાર કાશ્મીર મુદ્દાના ઉકેલ માટે એક પ્રસ્તાવ તૈયારી કરી રહી છે જે એક અઠવાડિયામાં શરૂ થઈ જશે. આ સાથે જ ચર્ચા છે કે ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પોતાના જ સમકક્ષ પાકિસ્તાની નેતા મહમદ કુરેશી સાથે આવતા મહિને અમેરિકામાં મુલાકાત કરી શકે છે.