ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મંગળવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પાકિસ્તાનમાં હિંસા ફાટી નિકળી હતી. ઇમરાન ખાનના સમર્થનમાં લાખો લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ વચ્ચે સામે આવી રહ્યું છે કે ઇમરાન ખાનને 8 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ સિવાય તેના પર તોશાખાના કેસમાં પણ સ્પેશિયલ કોર્ટે આરોપો નક્કી કરી દીધા છે. બીજીતરફ ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની અરજી નકારી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રીની પણ ધરપકડ
ઇમરાન ખાન બાદ પીટીઆઈના દિગ્ગજ નેતા શાહ મહમૂદ કુરૈશીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. શાહ મહમૂદ કુરૈશી ઇમરાન ખાનની કેબિનેટમાં વિદેશ મંત્રી હતા. 


ઇમરાન ખાનને હત્યાનો ડર
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઇસ્લામાબાદ હાઈકોર્ટમાંથી મંગળવારે ધરપકડ બાદ આજે ખાનને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અહીં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરોએ 14 દિવસની કસ્ટડી માંગી હતી, જ્યારે કોર્ટે 8 દિવસના રિમાંન્ડ મંજૂર કર્યાં છે. કોર્ટમાં ઇમરાન ખાને સનસનીખેજ દાવા કર્યા હતા. તેમણે કહ્યું કે મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઇમરાન ખાને કહ્યું કે, મને ધીમે-ધીમે ઝેરના ઈન્જેક્શન આપી મારવામાં આવી શકે છે. 


આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં 7 પૂર્વ PMની થઈ ચૂકી છે ધરપકડ: ભુટ્ટોને તો અપાઈ છે ફાંસી 


24 કલાકથી વોશરૂમ નથી ગયો
ઇમરાન ખાને કહ્યું- હું 24 કલાકથી વોશરૂમ ગયો નથી. મારા ડોક્ટર ફૈસલને બોલાવવામાં આવે. મને ડર છે કે મકસૂદ ચપરાસીની જેમ મને મારી શકે છે. ઇમરાન ખાને કહ્યું કે, આ લોકો એવું ઈન્જેક્શન લગાવે છે, જેનાથી ધીમે-ધીમે વ્યક્તિ મરી જાય છે. 


મંગળવારે થઈ ઈમરાન ખાનની ધરપકડ
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં કેટલાક કેસની સુનાવણી માટે પહોંચ્યા હતા. જેવા ઈમરાન ખાન કાર દ્વારા હાઈકોર્ટની અંદર પ્રવેશ્યા કે પેરામિલેટ્રી ફોર્સના જવાન હાઈકોર્ટમાં દાખલ થયા. જ્યારે ઈમરાન ખાન ઈસ્લામાબાદ હાઈકોર્ટની અંદર પોતાની બાયોમેટ્રિક્સ કરાવતા હતા ત્યારે પાકિસ્તાની સેનાના રેન્જર્સ રૂમમાં કાંચ તોડીને ઘૂસ્યા, અને તેમની ધરપકડ કરી. ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ તેમની ધરપકડને શરૂઆતમાં અપહરણ ગણાવ્યું હતું. 


આ પણ વાંચોઃ ઈમરાન ખાનની ધરપકડ પાછળ ચીન? પાકિસ્તાનમાં કેમ ઉઠી રહ્યો છે આ સવાલ?


ઈમરાન ખાનની ધરપકડ બાદ રેન્જર્સ તેમને ઢસડીને ગાડી સુધી લઈ ગયા હતા. ધરપકડ બાદથી ઈસ્લામાબાદમાં હિંસક પ્રદર્શન શરૂ થઈ ગયું અને જોત જોતામાં તો સમગ્ર દેશમાં પ્રદર્શન થવા લાગ્યા. પાકિસ્તાનના પૂર્વ પીએમની ધરપકડ બાદ માહોલ એટલો બગડ્યો કે સરકારે સમગ્ર દેશમાં કલમ 144 લાગૂ કરવી પડી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube