નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ગુરુવારે એક પ્રસ્તાવ પાસ કરીને અમેરિકાને જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના ફેસલાને પાછો ખેંચવા જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી લગભગ દરેક મોરચે અમેરિકાનો સાથ આપનાર ભારતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ પણ જેરુસલેમ મુદ્દે તેના વિરોધમાં મત આપ્યો છે. ભારત સહિત દુનિયાના 128 દેશોએ યુએનમાં જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની માનવાનો ઈન્કાર કરી દીધો છે. માત્ર 9 દેશોએ જ અમેરિકાના પ્રસ્તાવનું સમર્થન કર્યુ છે. 35 દેશોએ મતદાનમાં ભાગ લીધો નહતો. આ અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી ભર્યા સૂરમાં કહ્યું હતું કે જે પણ દેશ જેરુસલેમના મુદ્દે તેમના પક્ષમાં મત નહીં આપે તેમને આર્થિક મદદ આપવા પર અમેરિકા  કાપ મૂકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 વર્ષમાં પહેલીવાર કર્યો વીટોનો ઉપયોગ


જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપવાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ  ટ્રમ્પના ફેસલાને પાછો ખેંચવા સંબંધે યુએનની સુરક્ષા પરિષદમાં રાખવામાં આવેલા પ્રસ્તાવ વિરુદ્ધ અમેરિકાએ વીટોનો ઉપયોગ કર્યો છે. ગત 6 વર્ષમાં પહેલીવાર અમેરિકાએ કોઈ પ્રસ્તાવ માટે વીટોનો ઉપયોગ કર્યો છે. ટ્રમ્પે છ ડિસેમ્બરના રોજ પોતાની જાહેરાતમાં કહ્યું હતું કે તેઓ જેરુસલેમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપશે અને અમેરિકી દૂતાવાસને તેલ અવીવથી હટાવીને જેરુસલેમ ખાતે શિફ્ટ કરશે. તેમની જાહેરાત બાદ સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે અને તેની ખુબ આલોચના પણ થઈ રહી છે. 


15 સભ્યોની સુરક્ષા પરિષદમાં અમેરિકાના ખાસ સહયોગીઓ બ્રિટન, ફ્રાન્સ અને જાપાને આ  પ્રસ્તાવનું સમર્થન કર્યુ છે. ઈજિપ્ત તરફથી તૈયાર કરવામાં આવેલા એક પાનાના પ્રસ્તાવમાં સુરક્ષા પરિષદના ગત 50 વર્ષોના વિભિન્ન પ્રસ્તાવોના વલણને દોહરાવવામાં આવ્યાં હતાં જેમાં જેરુસલેમ પર ઈઝરાયેલની સંપ્રભુતાના દાવાને ફગાવવામાં આવ્યો હતો. તેમણે ચેતવ્યાં કે જેરુસલેમ સંબંધે અમેરિકાની દાયકાઓ જૂની નીતિથી હટીને ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી જાહેરાત દુનિયાના સૌથી જટિલ તણાવનો ઉકેલ લાવવામાં પ્રયાસને કમજોર કરશે. 



ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને પહેલીવાર વીટોનો ઉપયોગ કર્યો છે. અમેરિકાએ છેલ્લા છ વર્ષમાં પહેલીવાર વીટોનો ઉપયોગ કર્યો. વીટોનો બચાવ કરતા યુએનમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ કહ્યું કે વાસ્તવિકતા એ છે કે વીટોનો ઉપયોગ અમેરિકાની સંપ્રભુતાની રક્ષા અને પશ્ચિમ એશિયાની શાંતિ પ્રક્રિયામાં અમેરિકાની ભૂમિકાનો બચાવ કરવા માટે કરવામાં આવ્યો છે અને આ અમારા માટે શર્મિંદગીની વાત નથી. આ સુરક્ષા પરિષદના અન્ય સભ્યો માટે શર્મિંદગીનું કારણ હોવું જોઈએ. 


ડ્રાફ્ટ પ્રસ્તાવ પર હેલીએ કહ્યું કે સુરક્ષા પરિષદમાં જે થયું તે અપમાન છે. અમેરિકાને કોઈ એવું કહી શકે નહીં કે તે તેનું દૂતાવાસ ક્યાં શિફ્ટ કરે. પોતાનું દૂતાવાસ ક્યાં સ્થાપિત કરવાનું છે ફ્કત આ અંગેના ફેસલા પર અમેરિકાએ પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા માટે આજે વિવશ થવું પડ્યું છે. રેકોર્ડ બતાવશે કે અમે આ ગર્વ સાથે કર્યુ છે. જેરુસલેમમાં અમેરિકી દૂતાવાસની સ્થાપના અને શહેરને ઈઝરાયેલની રાજધાની જાહેર કરવાના ટ્રમ્પના ફેસલાને પાછો લેવા સંબંધી પ્રસ્તાવનું તેના નજીકના સહયોગીઓ બ્રિટન, ફ્રાન્સ અને જાપાને પણ સમર્થન કર્યુ છે.


અત્રે જણાવવાનું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 7 ડિસેમ્બરના રોજ મોડી રાતે જાહેર કર્યું હતું કે અમેરિકા જેરુસેલમને ઈઝરાયેલની રાજધાની તરીકે માન્યતા આપે છે. ટ્રમ્પે કહ્યું કે ભૂતકાળમાં અસફળ નીતિઓને દોહરાવવાથી આપણે આપણી સમસ્યાઓનું સમાધાન કરી શકીએ નહીં. આજે મારી આ જાહેરાત ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન ક્ષેત્ર વિવાદ પ્રતિ એક નવા દ્રષ્ટિકોણની શરૂઆત છે.