ચીનના ખોળે જઈ બેઠેલા માલદીવને ભારતે આ રીતે આપ્યો કડક કૂટનીતિક સંદેશ
આ બ્રિજ ચીનનો ફ્લેગશિપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. માલદીવની રાજધાની માલેને એરપોર્ટ આઈલેન્ડ સાથે જોડનારા આ પુલના કારણે એકવાર ફરીથી ભારત અને પાડોશી દેશ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.
નવી દિલ્હી: માલદીવ સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તણાવમાં હવે ભારતે ત્યાં થનારા એક બ્રિજનના ઉદ્ધાટનનો બહિષ્કાર કર્યો છે. વાત જાણે એમ છે કે આ બ્રિજ ચીનનો ફ્લેગશિપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. માલદીવની રાજધાની માલેને એરપોર્ટ આઈલેન્ડ સાથે જોડનારા આ પુલના કારણે એકવાર ફરીથી ભારત અને પાડોશી દેશ વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે ભારતે અધિકૃત રીતે સિનામાલે બ્રિજ નામવાળા આ પુલના ઉદ્ધાટનથી દૂર રહેવાનું નક્કી કર્યું.
માલદીવમાં ભારતના રાજદૂત અખિલેશ મિશ્રા ગુરુવારે આ પુલના ઉદ્ધાટનમાં પહોંચ્યા નહીં. માલદીવ સરકાર તરફથી જારી કરાયેલા એક અધિકૃત નિવેદનમાં કહેવાયું કે 'તેમની સરકાર તરફથી બોલાવવામાં આવ્યાં હતાં પરંતુ તેઓ કાર્યક્રમમાં સામેલ થયા નહીં.' આ બાજુ ભારત તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. મિશ્રાએ આ સમારોહથી દૂર રહેવાનો ફેસલો લીધો હતો. સમારોહમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં ચીની ફાયરવર્ક્સ વચ્ચે પુલનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આયોજનમાં માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનના સુરક્ષા કર્મચારીઓ દ્વારા કથિત રીતે અન્ય દેશોના દૂતાવાસોની સાથે કથિત રીતે દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો. માલદીવમાં વિપક્ષે આરોપ લગાવ્યો છે કે આયોજનના સ્થળ પર ફક્ત ચીની રાજદૂતની કારને આવવાની મંજૂરી અપાઈ હતી. વિપક્ષના પ્રવક્તા એહમદ મહલૂફે પોતાની ટ્વિટમાં લખ્યું કે શ્રીલંકા અને બાંગ્લાદેશના રાજદૂતોએ પણ આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો કારણ કે તેમની કારોને યામીનના સુરક્ષાકર્મીઓએ રોકી લીધી હતી અને તેમને પગપાળા જવાનું કહેવાયું હતું.
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી ચીને આ ક્ષેત્રના દેશોમાં બંદરથી લઈને રસ્તા બનાવવામાં મદદ કરીને પડકારો ફેંક્યા છે. માલદીવની ચીન સમર્થક અબ્દુલ્લા યામીન સરકારે ભારતને પોતાના સૈનિકો અને હેલિકોપ્ટરને સ્વદેશ પાછા બોલાવવા જણાવ્યું હતું. આ ઘટનાક્રમને લઈને માલદીવ મુદ્દે ભારત અને ચીન વચ્ચેના તણાવમાં વધારો થવાની આશંકા અગાઉ વ્યક્ત કરાઈ હતી.