ભારત લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવવામાં સફળ રહ્યું છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
સંયુક્ત રાષ્ટ્રની સમાન્ય સભામાં ટ્રમ્પે જણાવ્યું કે, આપણે આપણાં બાળકો માટે કેવા પ્રકારની દુનિયા અને વારસો છોડી જવા માગીએ છીએ તેના અંગે વિચારવું પડશે
સંયુક્ત રાષ્ટ્રોઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું કે, ભારત 'એક મુક્ત સમાજ' છે અને તેણે લાખો નાગરિકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. સંયુક્ત રાષ્ટ્રોની 73મી સામાન્ય સભામાં સંબોધન કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે આમ જણાવ્યું હતું.
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સબાની ચર્ચામાં બીજા વખત હાજરી આપતાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, "ભારત કરોડો લોકોનો એક એવો મુક્ત સમાજ છે, જેણે લાખો લોકોને ગરીબી અને મધ્યમ વર્ગમાંથી બહાર કાઢ્યા છે."
35 મિનિટના પોતાના સંબોધનમાં ટ્રમ્પે જણાવ્યું કે, "આપણે એ બાબતે ચર્ચા કરી રહ્યા છીએ જેના ઉપર આપણાં પહેલાં આવેલા લોકો અહીં સંબોધન કરી ચૂક્યા છે અને તેમનાં રાષ્ટ્રોની સમસ્યાઓ-પડકારોનું વર્ણન કરી ચૂક્યા છે. એ તમામ લોકોનાં ભાષણમાં જે શબ્દોનો પ્રયોગ કરાયો હતો, જે ઠરાવો પસાર કરાયો હતા અને આશાઓ વ્યક્ત કરાઈ હતી આપણો સવાલ પણ ત્યાં જ આવીને અટકી જાય છે."
"એ સવાલ છે, આપણે આપણાં બાળકો માટે કેવા પ્રકારની દુનિયા છોડી જવા માગીએ છીએ અને તેમને કેવા પ્રકારનાં રાષ્ટ્રો વારસામાં મળશે."
તેમણે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના આ હોલમાં આજે જે સ્વપ્નો રજૂ થયા છે તે આ પોડિયમ પર ઊભા રહેલા લોકો અને સંયુક્ત રાષ્ટ્રોમાં પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રો પ્રમાણે વિવિધતાથી ભરપૂર છે. "આ બાબત જ કંઈક કહી જાય છે. આ એક મહાન ઈતિહાસ છે."
સાઉદી આરેબિયા દ્વારા કરવામાં આવેલા નવા ઉદારવાદી સુધારાઓની પ્રશંસા કરવાની સાથે જ તેમણે ઈઝરાયેલ અંગે જણાવ્યું કે, એક પવિત્ર ધરતી પર 70 વર્ષથી લોકશાહી ટકાવી રાખવા માટે તેના પર ગર્વ થાય છે.