ભારત-પાક. તણાવઃ સમગ્ર વિશ્વ આવ્યું ભારતની પડખે, શાંતિની કરી અપીલ
ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ જે તણાવની સ્થિતિ પેદા થઈ હતી, ત્યાર બાદ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર ભારતના હવાઈ હુમલા અને પાકિસ્તાન દ્વારા તેનો વળતો પ્રહાર કરાયા બાદ વધેલી તંગદીલી અંગે સમગ્ર વિશ્વ દ્વારા બંને દેશને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે 12 દિવસ બાદ હવાઈ કાર્યવાહી કરી હતી. જેમાં ભારતના 12 મિરાજ વિમાનોએ પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી ઠેકાણા પર મંગળવારે વહેલી પરોઢે 3.30 કલાકે હવાઈ હુમલો કર્યો હતો અને આતંકી ઠેકાણાનો સફાયો કર્યો હતો. આ હુમલામાં 300 જેટલા આતંકીનાં મોત થયા હોવાનું પણ જણાવાયું હતું.
તેના બીજા દિવસે બુધવારે પાકિસ્તાને જવાબી કાર્યવાહીના ભાગ રૂપે હવાઈ સીમાનું ઉલ્લંઘન કરીને ફાઈટર જેટ મોકલ્યા હતા. ભારતે આ ફાઈટર જેટને રોકવા માટે મીગ-21 વિમાનનો કાફલો મોકલ્યો હતો. ભારતીય વિમાનોએ પાકિસ્તાનના એક F-16 ફાઈટર પ્લેનને તોડી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં ભારતનું એક મીગ-21 વિમાન પણ તુટી પડ્યું હતું અને ભારતનો એક પાઈલટ પેરાશુટ મારફતે પીઓકેમાં ઉતરતાં પાકિસ્તાની સેનાએ તેને પકડી લીધો હતો. આ કારણે બંને દેશ વચ્ચે તંગદીલી વધી ગઈ હતી. ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના નાયબ હાઈ કમિશનરને બોલાવીને પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદની હાજરીના પુરાવા રૂપે ડોઝિયર સોંપ્યું હતું અને સાથે જ ભારતીય પાઈલટને વહેલામાં વહેલી તકે છોડી દેવા ચેતવણી આપી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલી આ તંગદીલી બાદ સમગ્ર વિશ્વ ભારતની પડખે આવ્યું છે અને સાથે જ વિસ્તારમાં શાંતિ જાળવી રાખવા માટે પણ બંને દેશોને અપીલ કરી છે. જાણો કયા દેશે શું કહ્યું....
યુરોપિયન યુનિયન
યુરોપિયન યુનિયનનના વિદેશી બાબતો અને સુરક્ષા નીતિના પ્રતિનિધિ પેડરિકા મોઘેરિનીએ જણાવ્યું કે, "બંને દેશ વચ્ચે હાલ ગંભીર માહોલ પેદા થયો છે. બંને દેશે શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. સાથે જ કોઈ પણ પ્રકારના આતંકી ઠેકાણા મુદ્દે સ્પષ્ટ કાર્યવાહી કરવી જોઈએ."
સુષમાએ ચીનને કહ્યું, જૈશને પાકિસ્તાને આપેલી છૂટ બાદ થયો પુલવામામાં હુમલો
યુનાઈટેડ કિંગડમ
યુનાઈટેડ કિંગડમ તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારોની સાથે રહ્યું છે. યુકેના વડા પ્રધાન થેરેસા મેએ જણાવ્યું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તંગદીલી પેદા થઈ છે તેની ખુબ જ ચિંતા છે. વાટાઘાટો અને વ્યૂહાત્મક સમાધાન આ વિસ્તારમાં શાંતિની સ્થાપના કરી શકશે."
ફ્રાન્સ
ફ્રાન્સના વિદેશ મંત્રીએ જણાવ્યું કે, તેઓ બંને દેશ વચ્ચે પેદા થયેલી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. ફ્રાન્સે પાકિસ્તાન અને ભારતને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
રશિયા
રશિયન સરકારે જણાવ્યું કે, તેઓ બંને દેશ વચ્ચેના તંગદીલીભર્યા વાતાવરણથી ચિંતિત છે. બંને દેશે વર્તમાન સમસ્યાઓનો રાજકીય અને રાજદ્વારી ઉકેલ લાવવો જોઈએ. મોસ્કો આતંકવાદના મુદ્દે સમાધાન લાવવા માટે મદદ કરવા તૈયાર છે.
ગભરાયેલા પાક. પીએમ ઈમરાન ખાને કહ્યું, "અમે દરેક મુદ્દે વાટાઘાટો કરવા તૈયાર"
ચીન
ચીને મંગળવારે ફરીથી ભારત અને પાકિસ્તાનને આ વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
દક્ષિણ એશિયાના દેશો
નેપાળે કહ્યું કે, વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જાળવી રાખીને બંને દેશે યુદ્ધનું વાતાવરણ ન પેદા કરવું જોઈએ. શ્રીલંકાએ જણાવ્યું કે, દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતાને તે સંપૂર્ણ સમર્થન કરે છે. બંને દેશોએ સમગ્ર વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ. મલેશિયાએ બંને દેશને વાટાઘાટો દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી હતી.
ઈરાન
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા બહરામ કાસિમીએ જણાવ્યું કે, "ભારત અને પાકિસ્તાન વચ્ચે વધેલા તણાવને મુદ્દે તેહરાન ચિંતિત છે. બંને દેશની સેનાઓએ જે રીતે તૈયારી કરી છે તે આ વિસ્તારની શાંતિ માટે જોખમી છે. બંને દેશે 'આત્મસંયમ' જાળવીને સમસ્યાનો વ્યૂહાત્મક રીતે ઉકેલ લાવવો જોઈએ."