Israel: ઈઝરાયેલમાં ઘૂસેલા હમાસના આતંકીઓએ મચાવી મુંબઈ હુમલા જેવી કત્લેઆમ, ઈઝરાયેલે ઉતાર્યા ફાઈટર જેટ
દક્ષિણ ઈઝરાયેલમાં શનિવારે એક મોટો આતંકી હુમલો થયો છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ તરફથી ભારે સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા. ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી છે.
દક્ષિણ ઈઝરાયેલમાં શનિવારે એક મોટો આતંકી હુમલો થયો છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ તરફથી ભારે સંખ્યામાં રોકેટ છોડવામાં આવ્યા. ત્યારબાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી દીધી છે. ગાઝાથી ઈઝરાયેલમાં ઘૂસ્યા બાદ પેલેસ્ટાઈનના આ આતંકી સમૂહના આતંકીઓ જે પણ રસ્તામાં જોવા મળે તેને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. આ સાથે જ નાગરિકો ઉપર પણ ફાયરિંગ થઈ રહ્યું છે. તેનાથી સ્પષ્ટ છે કે હમાસના આતંકીઓ ફક્ત ઈઝરાયેલની સેનાને જ નહીં પરંતુ નાગરિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. કેટલાક લોકો તેને વર્ષ 2008માં મુંબઈમાં થયેલા આતંકી હુમલા જેવો ગણાવી રહ્યા છે જેમાં 175 લોકોના મોત થયા હતા.
એવું કહેવાય છે કે હમાસે ગાઝાપટ્ટીથી લગભગ 20 મિનિટમાં 5000 રોકેટ છોડ્યા. એટલું જ નહીં ઈઝરાયેલમાં ઘૂસણખોરી કરી અને કેટલાક સૈન્ય વાહનો પર કબજો જમાવ્યો. ઈઝરાયેલના 5 સૈનિકોનું અપહરણ પણ કર્યું. હુમલામાં 5 જેટલા મોત થઈ ચૂક્યા છે. 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જેના જવાબમાં ઈઝરાયેલે પણ મોરચો સંભાળી લીધો છે અને હવે ગાઝા પર હવાઈ હુમલા શરૂ ક રી દીધા છે.
ઈઝરાયેલનો વળતો પ્રહાર
ઈઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં હમાસ વિરુદ્ધ ઓપરેશન આયર્ન સ્વોર્ડ્સ ચાલુ કર્યું છે. ઈઝરાયેલ વાયુસેનાના ડઝન જેટલા ફાઈટર જેટ્સ ગાઝા પટ્ટીમાં અનેક જગ્યાઓ પર આતંકવાદી સંગઠન હમાસના ઠેકાણા પર હુમલા કરી રહ્યા છે. આ વિસ્તારને બોમ્બથી ધમરોળી નાખ્યો છે. હુમલા બાદ ઈઝરાયેલના રક્ષામંત્રીનું નિવેદન પણ આવ્યું છે. તેમણે કહ્યું કે હમાસે આજે સવારે ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ શરૂ કરીને એક મોટી ભૂલ કરી નાખી.