ઈઝરાયેલ-ઈરાનની જંગમાં કૂદશે ચીન? લેબનોનને મોટી મદદ મોકલવાની કરી જાહેરાત
મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધી જંગની આશંકા વચ્ચે હવે ચીન પણ તેમાં કૂદતું જોવા મળી રહ્યું છે. ચીનની અધિકૃત વિદેશી સહાયતા એજન્સી, ચાઈના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સીએ મંગળવારે કહ્યું કે ચીન યુદ્ધગ્રસ્ત લેબનોનને ઈમરજન્સી ચિકિત્સા આપૂર્તિ કરશે
મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે સીધી જંગની આશંકા વચ્ચે હવે ચીન પણ તેમાં કૂદતું જોવા મળી રહ્યું છે. ચીનની અધિકૃત વિદેશી સહાયતા એજન્સી, ચાઈના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ કોઓપરેશન એજન્સીએ મંગળવારે કહ્યું કે ચીન યુદ્ધગ્રસ્ત લેબનોનને ઈમરજન્સી ચિકિત્સા આપૂર્તિ કરશે. જ્યારે લેબનોનમાં ઈઝરાયેલે હિઝબુલ્લાહ પર હુમલા વધાર્યા છે. હિઝબુલ્લાહે પણ સોમવારે ઈઝરાયેલના હાઈફા શહેરમાં 100થી વધુ મિસાઈલો વરસાવી.
ચીનની આ સરકારી એજન્સીના પ્રવક્તા લી મિંગે એક નિવેદનમાં કહ્યું કે હાલમાં જ જંગ વધાર્યા બાદ લેબનોનમાં અનેક જગ્યાઓ પર વિસ્ફોટો અને હવાઈ હુમલા થયા છે. જેનાથી મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા છે. નિવેદનમાં કહેવાયું છે કે લેબનોન સરકારની ભલામણ પર ચીની સરકારે લેબનોન સ્વાસ્થ્ય સુવિધામાં મદદ કરવા માટે ઈમરજન્સી માનવીય ચિકિત્સા આપૂર્તિ પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે. ચીને આ અગાઉ પણ લેબનોનને મદદ માટે આશ્વાસન આપ્યું હતું.
ગત મહિને ચીનના વિદેશમંત્રી વાંગ યીએ લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા હબીબ સાથે મુલાકાત કરી હતી અને સમર્થનની ખાતરી આપી હતી. આ દરમિયાન ચીની વિદેશ મંત્રીએ ઈઝરાયેલી પેજર હુમલાની ટીકા પણ કરી હતી. ચીને તે વખતે કહ્યું હતું કે સ્થિતિ ભલે ગમે તે હોય પણ તે પોતાના અરબ ભાઈઓની પડખે રહેશે. ચીને એમ પણ કહ્યું હતું કે મિડલ ઈસ્ટમાં સમસ્યાઓનો અંત જંગથી નહીં આવે.
બીજી બાજુ હમાસના હુમલાને એક વર્ષ પૂરું થયું. ઈઝરાયેલે ગાઝાની સાથે સાથે લેબનોનમાં પણ તીવ્ર હુમલા કરવાનું શરૂ કરી દીધુ છે. યુદ્ધનું કેન્દ્ર હવે ઉત્તર લેબનોન તરફ થયું છે જ્યાં ઈઝરાયેલી સેના હિઝબુલ્લાહની સાથે જંગ લડી રહી છે. ઈરાન સમર્થિત હિઝબુલ્લાહે 8 ઓક્ટોબરના રોજ હમાસના સમર્થનમાં ઈઝરાયેલ પર હુમલા કરવાના શરૂ કર્યા હતા.