ઈઝરાયેલ અને પેલેસ્ટાઈનમાં આરપારની જંગ, હમાસે એક દિવસમાં છોડ્યા 130 રોકેટ, ભારતીય મહિલાનું મોત
પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા.
તેલ અવીવ: પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચે આરપારની જંગ છેડાઈ ગઈ છે. બંને તરફથી સતત હુમલા થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મંગળવારે પેલેસ્ટાઈનના હમાસ સંગઠને અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરતા ઈઝરાયેલ પર 130 રોકેટ છોડ્યા. આ હુમલામાં એક ભારતીય મહિલાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો. મહિલાનું નામ સૌમ્યા સંતોષ છે. જે ગત વર્ષથી ઈઝરાયેલમાં રહેતી હતી અત્રે જણાવવાનું કે ઈઝરાયેલ હમાસને આતંકી સંગઠન ગણે છે.
ઘર પર પડ્યું રોકેટ
ઈઝરાયેલના વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું છે કે હમાસે રહેણાંક વિસ્તારમાં લગભગ 130 રોકેટ છોડ્યા છે અને જેરૂસેલમમાં ભારે હિંસા આચરી. આવા જ એક રોકેટ હુમલામાં ભારતીય મહિલા સૌમ્યા સંતોષનું પણ મોત થયું. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના રિપોર્ટમાં કહેવાયું છે કે એક રોકેટ સૌમ્યાના ઘર પર જઈને પડ્યું. જેના કારણે તેમનું મોત થયું. તેમના પરિવારમાં 9 વર્ષનો પુત્ર અને પતિ છે.
રોન મલ્કાએ કરી પુષ્ટિ
ભારતમાં ઈઝરાયેલના રાજદૂત ડો.રોન મલકા તરફથી ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી અપાઈ છે. તેમણે પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે ઈઝરાયેલ તરફથી હું સૌમ્યા સંતોષના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. તે હમાસના આતંકી હુમલામાં માર્યા ગયા. અમારું હ્રદય રડી રહ્યું છે. એક 9 વર્ષના બાળકે આ ક્રુર આતંકી હુમલામાં પોતાની માતાને ગુમાવી દીધી.
એક વીડિયો પણ શેર કરાયો
આ ઘટનાનો એક વીડિયો ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સ દ્વારા સોશિયલ મીડિયામાં શેર પણ કરાયો છે. જેમાં અનેક રોકેટ આકાશમાં જોવા મળી રહ્યા છે. જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તે જોઈને આખી દુનિયા ટેન્શનમાં આવી ગઈ છે. વધુ એક યુદ્ધની આશંકા સતાવવા લાગી છે. મળતી માહિતી મુજબ હમાસના આ હુમલા બાદ ઈઝરાયેલ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે. સેના તરફથી 5000 સૈનિકોને ગાઝા બોર્ડર પર તૈનાત કરવાની તૈયારી છે જ્યારે હવાઈ હુમલા દ્વારા જ જડબાતોડ જવાબ આપવા ઉપર પણ વિચાર થઈ રહ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube