આ વ્યક્તિએ ઈમરાન ખાનને ગણાવ્યાં તાલિબાન ખાન, કહ્યું-`દુનિયાને મુરખ બનાવે છે પાકિસ્તાન`
હાલમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનેલા ઈમરાન ખાન વિરુદ્ધ પહેલો અવાજ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાંથી ઉઠ્યો છે.
જીનેવા (સ્વિટ્ઝરલેન્ડ): હાલમાં પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનેલા ઈમરાન ખાન વિરુદ્ધ પહેલો અવાજ પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાંથી ઉઠ્યો છે. પીઓકેમાં એક માનવાધિકાર કાર્યકર્તાએ ઈમરાન ખાન પર આકરા પ્રહારો કરતા તેને તાલિબાન ખાન ગણાવ્યાં છે. ડો.શબીર ચૌધરીએ સયુંક્ત રાષ્ટ્રમાં કહ્યું છે કે પાકિસ્તાન આખા વિશ્વના સમુદાયને મુરખ બનાવી રહ્યો છે. તે હજુ પણ આતંકવાદને પોષતો સૌથી મોટો દેશ છે.
જીનેવામાં થઈ રહેલા 39માં યુએન હ્યુમન રાઈટ સેશન ઉપરાંત એક અન્ય કાર્યક્રમમાં બોલતા શબીર ચૌધરીએ કહ્યું કે જ્યારથી પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર આવી છે, હાલાત વધુ ખરાબ થયા છે. ચૌધરીએ ઈમરાન ખાનને તાલિબાન ખાન કહીને સંબોધન કર્યું. તેમણે કહ્યું, ઈમરાન ખાનની નવી સરકારે હાલમાં રજુ કરાયેલા બજેટમાં કેપીકે (ખૈબર પખ્તુનવા) મદરસાઓને 30 કરોડની સહાયતા આપી છે. જેને તાલિબાન યુનિવર્સિટી પણ કહેવાય છે. ચૌધરીએ કહ્યું કે જ્યારે અધિકૃત રીતે આવી યુનિવર્સિટીને 30 કરોડની સહાયતા મળે તો અનાધિકૃત રીતે કેટલી હશે. આ સરકારના આવવાથી કટ્ટર સમૂહોને ખુબ સમર્થન આપવામાં આવી રહ્યું છે.
ચૌધરીની સાથે બીજા પીઓકે એક્ટિવિસ્ટે કહ્યું, દેશમાં ઈમરાન ખાનની સરકાર આવ્યાં બાદ આતંકવાદ અને કટ્ટરવાદ વધ્યો છે. યુનાઈટેડ કાશ્મીર પીપલ્સ પાર્ટીના ચેરમેન શૌકત અલી કાશ્મીરીએ કહ્યું કે 'પીઓકે દાયકાઓથી આતંકવાદને ઉછેરતો ગઢ રહ્યો છે. પાકિસ્તાનની એજન્સીઓએ પીઓકેમાં કાયદેસર રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કર્યું છે. અહીંથી કાશ્મીરના અન્ય ભાગમાં આતંકવાદ ફેલાવવામાં આવે છે. આ એક લોન્ચિંગ પેડનું કામ કરે છે.'
તેમણે વધુમાં કહ્યું કે 'અમારી પાસે પૂરતી જાણકારી છે કે પાકિસ્તાને પોતાની નીતિઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેઓ પોતાના નિવેદનોથી ફક્ત આંતરરાષ્ટ્રીય સમુદાયને મુરખ બનાવવાનું કામ કરે છે. ત્યાં આતંકવાદીઓના કેમ્પ હજુ પણ એ જ રીતે ચાલી રહ્યાં છે.' મુઝફ્ફરાબાદ અને પીઓકેના બીજા ભાગોમાં પાણીને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ડો.ચૌધરીએ કહ્યું કે આતંકવાદીઓને સરકાર તરફથી કાયદેસર રીતે લાઈસન્સ આપવામાં આવ્યાં છે. જો લોકો તેમની વાત ન માને તો તેમને મારી નખાય છે.
નોંધનીય છે કે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને પીએમ મોદીને પત્ર લખીને અપીલ કરી હતી કે બંને દેશોના વિદેશ મંત્રી યુએનમાં મળતા પહેલા એક બેઠક યોજે. ઈમરાન ખાનની આ ભલામણ પર બંને દેશોમાં સહમતિ બની છે.