ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા, ખાસ જાણો તેમના વિશે
યુક્રેને દાવો કર્યો છે કે રશિયાની સેનાના એક સીનિયર જનરલ અને તેના સાથીને યુક્રેનની સેનાએ મોસ્કોમાં મોતને ઘાટ ઉતાર્યા છે. રશિયાની તપાસ સમિતિ (એસકે)એ જણાવ્યું કે પરમાણુ, જૈવિક, રાસાયણિક રક્ષા દળો (એનબીસી)ના પ્રમુખ લેફ્ટેનન્ટ જનરલ ઈગોર કિરિલોવ મંગળવારે સવારે એક રહેણાંક બ્લોકની બહાર હતા. આ દરમિયાન સ્કૂટરમાં રાખેલા એક વિસ્ફોટક દ્વારા ધડાકો કરવામાં આવ્યો. યુક્રેનના એસબીયુ સુરક્ષા સેવાના એક સૂત્રએ દાવો કર્યો કે કિરિલોવે જંગી અપરાધ કર્યા હતા.
શું હતો ઈગોર પર આરોપ?
યુક્રેનનું કહેવું છે કે કિરિલોવ "પ્રતિબંધિત રાસાયણિક હથિયારોના મોટા પાયે ઉપયોગ કરવા માટે જવાબદાર" હતા. યુક્રેનના એસબીયુએ દાવો કર્યો કે રશિયાએ જનરલના નેતૃત્વમાં 4800થી વધુ વખત રાસાયણિક હથિયારોનો ઉપયોગ ક ર્યો. જો કે રશિયાએ આ આરોપો ફગાવ્યા છે. આ અગાઉ ઓક્ટોબરમાં યુકેએ પણ કિરિલોવ પર પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે તેમણે યુક્રેનમાં રાસાયણિક હથિયારોના ઉપયોગની નિગરાણી કરી હતી અને 'ક્રેમલિનની ખોટી સૂચનાઓ માટે એક મહત્વપૂર્ણ મૂખપત્ર' તરીકે કામ કર્યું હતું.
ઈમારતના ફૂરચા ઉડ્યા
દક્ષિણ પૂર્વ મોસ્કોમાં ઘટનાસ્થળની તસવીરોમાં એક ઈમારતનું તહેસનહેસ થયેલું પ્રવેશદ્વાર જોવા મળે છે. જેની દીવાલો પર બળવાના નિશાન છે અને અનેક બારીઓ ઉડી ગઈ છે. રસ્તાઓ પર બે લાશવાળા બેગ પણ જોઈ શકાય છે. વિશેષજ્ઞોએ બીબીસી વેરિફાયને જણાવ્યું કે ઘટનાસ્થળની તસવીરો જોઈને એવું લાગે છે કે વિસ્ફોટ એક ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈઝ (આઈઈડી)ના કારણે થયો હતો જે એક પ્રકારનો ઘરનો બનેલો બોમ્બ હોય છે જેમાં સામાન્ય રીતે ખિલ્લા કે કાંચ જેવા સરળતાથી પ્રાપ્ત થતી વસ્તુઓ હોય છે.
કોણ હતા કિરિલોવ ઈગોર
54 વર્ષના કિરિલોવ જેમને રશિયામાં ઘૂસીને ઉડાવી દેવાયા તેઓ રશિયાના સૌથી ઉચ્ચ રેંકિંગવાળા રશિયન સૈન્ય અધિકારી હતા. તેમના મોતથી સીનિયર અધિકારીઓ માટે સુરક્ષા ઉપાયોની સમીક્ષા થઈ શકે છે. કિરિલોવે રશિયાના રિડિયોધર્મી, રાસાયણિક અને જૈવિક રક્ષા દળોની કમાન સંભાળી હતી. જે વિકિરણ, રસાયણો કે જૈવિક એજન્ટોથી દુષિત વાતાવરણમાં સૈનિકોની સુરક્ષા માટે કામ કરનારી એક વિશેષ શાખા હતી. કિરિલોવ પરિણીત હતા અને તેમના બે પુત્ર પણ છે. સરકારી ટેલિવિઝિન પર યુક્રેન પર પરમાણુ સુરક્ષા માપદંડોનો ભંગ કરવા સહિત અલગ અલગ ઘટનાઓ વિશે તેને દોષિત ઠેરવતા જોવા મળ્યા હતા. ઓક્ટોબરમાં બ્રિટને કિરિલોવ અને તેમની સેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.